વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા. ૧૧ સપ્ટેમ્બર : આખરે લાંબા સમયથી ઉમેદવારો સહિત સૌ જેની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તે કચ્છ જિલ્લાની ખાસ ભરતી ધો. ૧ થી ૫ નો સ્થળ / શાળા પસંદગી સાથે નિમણૂંક હૂકમ વિતરણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેના લીધે સર્વત્ર ખુશી વ્યાપી છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના ઉમેદવારો કે જેઓએ ગાંધીનગર ખાતે તા.૧૮/૦૮/૨૦૨૫ થી તા.૦૩/૦૯/૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂંક અંગેની પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેથી દર્શાવેલ તારીખ,સમયે અને સ્થળે ઉમેદવારોને બિનચૂક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે ધો. ૧ થી ૫ માં ૨૫૦૦ તથા ધો. ૬ થી ૮ માં ૧૬૦૦ મળી કુલ ૪૧૦૦ વિધા સહાયકોની “નિમણૂંક ત્યાં નિવૃતિ” ની શરતે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જ્ઞાન સહાયક તરીકે ચાલુ નોકરીએ લાયકાત મેળવેલ ઉમેદવારો મુદ્દે કોર્ટ મેટરના કારણે સમગ્ર રાજ્યમાં ધો. ૬ થી ૮ ની ભરતીમાં વિલંબ થયો છે. પણ ધો. ૧ થી ૫ માં વિધાસહાયક ભરતી કચ્છ શિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પૂર્ણ થઈ ગયેલ હતી ત્યારે હવે કચ્છ જિલ્લામાં પણ નિમ્ન પ્રાથમિક વિભાગ માટે ભરતી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાને ધો. ૧ થી ૫ માટે ૨૫૦૦ માંથી માત્ર ૧૦૧૨ ઉમેદવારો જ મળ્યા છે. આ ઉમેદવારોને મેરિટ મૂજબ બોલાવ્યા છે. ક્રમ નંબર ૧ થી ૫૫૦ ને તા. ૧૬/૯ ના જ્યારે ક્રમ નંબર ૫૫૧ થી ૧૦૧૨ સુધીના ઉમેદવારોને તા. ૧૭/૯ ના સવારે ૯:૦૦ કલાકે શાળા/સ્થળ પસંદગી માટે આર.આર. લાલન કોલેજ, ભુજ ખાતે બોલાવાયા છે. આ સાથે યાદી-૧ અને યાદી -૨ ના તમામ ક્રમ નંબર ૧ થી ૧૦૧૨ સુધીના ઉમેદવારોને તા.૧૮/૦૯/૨૦૨૫ ના સવારે ૯:૦૦ કલાકે નિમણૂંક હુકમ મેળવવા લાલન કોલેજ, માંડવી રોડ, ભુજ ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે. જો ઉમેદવારો આ તારીખે ઉપસ્થિત નહીં રહે તો ત્યારપછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકા૨નો પોતાનો હક્ક દાવો કરી શકશે નહી તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. નિમણૂંક હૂકમ મળ્યે ઉમેદવારોને સામાન્ય રીતે ૭ દિવસમાં જે તે શાળામાં હાજર થવાનું હોય છે. નિમણૂંક મેળવેલ વિધા સહાયકોને પાંચ વર્ષ માટે માસિક ૨૬ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થાશે. ૫ વર્ષની સંતોષકારક સેવા બાદ નિયમિત પગારમાં સમાવેશ કરાશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં શિક્ષકોની ઘટ વધુ હોઈ આ સ્થળ પસંદગી કેમ્પમાં શૂન્ય સંખ્યા ઉપરાંત જ્યાં વધુ ઘટ છે તેવી જગ્યાઓ બતાવવાની સંભાવના રહેલી છે.