જૂનાગઢમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન : શહેરની દિવાલો અને રસ્તાઓ તિરંગાના રંગે રંગાયા”
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં દેશભક્તિનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ રસ્તાઓ અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે, સાથે જ આકર્ષક વોલ પેઇન્ટિંગ દ્વારા દેશભક્તિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરની એ.જી. સ્કૂલની દિવાલ તથા જયશ્રી રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટરની દિવાલ પર તિરંગા થીમ આધારિત સુંદર અને સર્જનાત્મક વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોકોમાં રાષ્ટ્રધ્વજ લગાડીને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવવામાં આવી રહી છે. આ અભિયાન દ્વારા જૂનાગઢ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને વધુ યાદગાર અને ઉત્સાહપૂર્ણ બનાવવામાં આવી રહી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભક્તિનો જઝબો દરેક નાગરિક સુધી પહોંચાડવા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ વધારવા માટે એક અનુપમ પહેલ છે. જૂનાગઢવાસીઓ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે.