AHAVADANGGUJARAT

ડાંગમા ફોરેસ્ટ કર્મચારીની હત્યાના કેસમાં વઘઇ પોલીસે માત્ર ૧૫ દિવસમાં ૬૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના બોરીગાંવઠા ગામે થયેલ ફોરેસ્ટ કર્મચારીની ઘાતકી હત્યાના મામલે વઘઇ પોલીસે પ્રસંશનીય કામગીરી કરી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી, પોલીસ પ્રશાસને માત્ર ૧૫ જ દિવસમાં તપાસ પૂર્ણ કરી ૬૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી આરોપીઓને કડક સજા અપાવવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે.મરણજનાર સનતભાઈ ગનસુભાઇ બીરારી (ઉ.વ. ૫૩), જેઓ ફોરેસ્ટ ખાતામાં કાયમી રોજમદાર તરીકે બારખાંધ્યા ગામે ફરજ બજાવતા હતા, તેઓ ગત ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા. રાત્રીના આશરે દોઢ વાગ્યે બોરીગાંવઠા ગામ પાસે ત્રણ શખ્સો સાયકલ પર ચોરીના લાકડા લઈ જતાં જોવા મળ્યા હતા. સનતભાઈએ આ લાકડા ચોરોને અટકાવવાનો પ્રયાસ કરતા, ઉશ્કેરાયેલા ચોરોએ વાંસના ડંડા વડે તેમના માથા અને કપાળના ભાગે જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.આ ઘટના અંગે વનરક્ષક હરેશકુમાર ચૌધરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સુરત વિભાગના આઈ.જી. પ્રેમવીરસિંઘ અને ડાંગ પોલીસ અધિક્ષક  પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી પોલીસે ઘટનાના બીજા દિવસે જ આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને જંગલમાં કોમ્બિંગ હાથ ધરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.આરોપીઓને ઝડપી અને કડક સજા થાય તે હેતુથી એસ.પી. પૂજા યાદવની અધ્યક્ષતામાં એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી, પી.આઈ. વી.કે. ગઢવી સહિતના અધિકારીઓ સામેલ હતા.આ ટીમે દિવસ-રાત મહેનત કરી, વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્રિત કર્યા અને માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં ૬૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરી ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બનાવી છે.

Back to top button
error: Content is protected !!