
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કોટબા ગામે આજે સવારે એક અનોખી ઘટના બની હતી.શિકારની શોધમાં દીપડીનું બચ્ચુ ગામમાં ભટકતુ આવી ગયુ અને એક ઘર નજીકનાં વાડામાં ફસાઈ ગયુ હતુ.આ ઘટનાથી જાણ ગામમાં થતા અફરાતફરી મચી ગઈ હતી.કોટબા ગામનાં અમરદીપ પાલવાના ઘર પાછળ આવેલ વાડામાંથી અજાણ્યો અવાજ આવતો હોવાથી લોકોએ તપાસ કરતા દીપડીનું બચ્ચું મળી આવ્યુ હતુ. બાદમાં તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગના ડી.સી.એફ. દિનેશભાઇ રબારીને આ બાબતે જાણ થતા તેમણે લવચાલી રેંજના આર.એફ.ઓ. અર્ચનાબેન હિરેને ઘટના સ્થળે પહોંચવા સૂચના આપી.લવચાલી રેંજની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીપડીના બચ્ચાને સુરક્ષિત રીતે પકડી પાડ્યુ હતુ.અહી ઉત્તર વન વિભાગનાં લવચાલી રેંજનાં આર.એફ.ઓ અર્ચનાબેન હિરેએ વેટરનરી ડોકટરને બોલાવી આ બચ્ચાની તપાસણી કરાવતા સ્વસ્થ જણાયુ હતુ.તથા બચ્ચાની માતાની ત્રાડ નજીકનાં વિસ્તારમાં સંભળાતા આ બચ્ચાને સુરક્ષિત રીતે ગામથી 500 મીટર દુરનાં જંગલ વિસ્તારમાં છોડી મૂકાયુ હતુ. હાલમાં લવચાલી રેંજ વન વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોની મદદથી દીપડીના બચ્ચાને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકવામાં આવ્યુ છે.આ ઘટનામાં કોઈને કોઈ જાનહાનિ થઈ નથી.ત્યારે ઉત્તર વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જો ક્યારેય કોઈ વન્ય પ્રાણી ગામમાં ભટકતું આવે તો તરત જ વન વિભાગને જાણ કરવી..




