મહેસાણામાં રોડ સેફટીના નિયમોનું પાલન કરતા નાગરિકોને ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
મહેસાણા આર.ટી.ઓ. નો રોડ સેફટીમાં નવતર પ્રયોગ રોડ પર ઉતર્યા 'યમરાજ'

વાત્સલ્યમ સમાચાર, બલવંતસિંહ ઠાકોર,મહેસાણા
‘ મારી ગદાનો પ્રહાર ખાલી હેલ્મેટ જ રોકી શકે છે, હું તમને ગમે ત્યાં મળી શકું છું, એટલે નિયમોનું પાલન કરો અને મારી સાથે મિટિંગ ના થઇ જાય એનું ધ્યાન રાખો’.આજે આ શબ્દોદૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી મહેસાણા ખાતે વાહનચાલકોએ સાંભળ્યા હતા….
કારણ હતુ માર્ગ સલામતી …….. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(આર.ટી.ઓ. ) દ્વારા નાગરિકોની જાગૃતિ માટે પ્રતિદિન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે પૈકી આજ રોજ વિવિધ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમો વચ્ચે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા લોકો માટે આર.ટી.ઓ.મહેસાણાએ નવતર પ્રયોગ કર્યો હતો.
જેમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(આર.ટી.ઓ. ) ના કર્મચારીએ યમરાજની વેશભૂષા ધારણ કરી ગદા લઈ આર.ટી.ઓ.મહેસાણા ના અધિકારીઓ સાથે રહી હેલ્મેટ અને સીટબેલ્ટ વિનાના વાહનોને રસ્તા પર રોક્યા હતા. આમ વાહનચાલકોમાં સલામત અને સાવચેતી ના સંદેશ દ્વારા માર્ગ સલામતી ના પાઠ ભણાવવાનો હકારાત્મક અભિગમપ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(આર.ટી.ઓ. ) કચેરી દ્વારા આજે સવારે દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી મહેસાણા ખાતે આ પ્રયોગ કરાયો હતો. જેમાં લોકોએ હસતા હસતા પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમજ રોડ પર યમરાજની હાજરીથી સૌમાં કૌતુક ફેલાયું જેવા મળ્યુ હતું.
યમરાજે વાહન ચાલકોને સંદેશો આપ્યો હતો કે ‘ મારી ગદાનો પ્રહાર ખાલી હેલ્મેટ જ રોકી શકે છે, હું તમને ગમે ત્યાં મળી શકું છું, એટલે નિયમોનું પાલન કરો અને મારી સાથે મિટિંગ ના થઇ જાય એનું ધ્યાન રાખો’.
આજે રોડ પર આર.ટી.ઓ. ની ટીમ સાથે એ.આર.ટી.ઓ. અધિકારી એસ.એમ.પટેલ પણ હાજર રહ્યા હતા અને રોડ સેફટીના નિયમોનું પાલન કરતા નાગરિકોને ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે,” વિવિધ કાર્યક્રમો વચ્ચે આ પ્રયોગ સફળ નીવડ્યો છે, લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, અને યમરાજની હાજરીથી ગંભીર વિષયને હળવી શૈલીમાં પીરસવાનો પ્રયાસ કરાયો છે સાથે જ લોકોએ પોતાની રોડ સેફટી માટે જાતે જાગૃત થાય તો જ રોડ સુરક્ષિત થશે અને એના માટે ટ્રાફિક નિયમો ફરજિયાત પાલન કરવા પડશે”.
ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીના સેફટી અધિકારીઓએ રેડિયમ રીફલેક્ટર વિનાના વાહનોને રીફલેક્ટર લગાવવાની કામગીરી કરી હતી. અને આર.ટી.ઓ.અને ટ્રાફિક પોલીસની ટીમને સહયોગ આપ્યો હતો.




