
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા પંથકમાં મહાશિવરાત્રી પર્વે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ટ્રાફિક જામ વચ્ચે પોલીસ જવાનોએ ખડેપગે સેવા બજાવી
મુંદરા:
કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુંદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને મુંદરા શહેર, રતાડીયા, ગુંદાલા, ભદ્રેશ્વર અને ઐતિહાસિક ચોખંડા મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો હતો. શિવાલયોમાં ભગવાન ભોળાનાથ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદથી સમગ્ર પંથક શિવમય બની ગયું હતું.
ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવ મંદિરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભક્તો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાળુઓના ભારે ધસારાને કારણે ઠેર-ઠેર વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ધમધમતા તાપમાં પણ પોલીસ કર્મચારીઓએ ખડેપગે રહીને ટ્રાફિકનું નિયમન કર્યું હતું. કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર પોલીસ જવાનોએ ખંતપૂર્વક ફરજ બજાવી વ્યવસ્થા જાળવી રાખી હતી જેની ભક્તો દ્વારા સરાહના કરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાર પ્રહરની પૂજા અને મહાઆરતી સાથે મુંદરા પંથકમાં શિવરાત્રી પર્વની ભક્તિમય ઉજવણી પ્રસંગે ભજન અને સંતવાણી જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.







વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




