GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે ૪૭૮ બ્લોકમાં કુલ ૧૩,૦૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે ૪૭૮ બ્લોકમાં કુલ ૧૩,૦૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

 

ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૭ ફેબ્રુઆરી થી તા. ૧૭ માર્ચ-૨૦૨૫ સુધી યોજાશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્‍ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલે બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્બારા ફેબ્રુઆરી/માર્ચ ૨૦૨૫ માં ધોરણ ૧૦ એસ.એસ.સી અને ધોરણ ૧૨ એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન સવારે ૧૦.૩૦ થી ૦૧.૩૦ અને બપોરે ૦૩.૦૦ થી ૦૬.૩૦ કલાકે બે સેશનમાં યોજાનાર છે.

 

નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૮૫૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૨૮ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૧૩ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩૪૯૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૧૪ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે ૯૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે ૪૩ બિલ્ડીંગમાં ૪૭૮ બ્લોક નક્કી કરાયા છે. આમ નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે ૪૭૮ બ્લોકમાં કુલ-૧૩,૦૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 

બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ રાજપીપલા શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવા નિવાસી અધિક કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાંઆવી હતી.

Back to top button
error: Content is protected !!