નવસારીમાં અષાઢી અમાસનો અનેરો ઢીંગલા ઉત્સવ ઢીંગલાબાપાની શોભાયાત્રામાં અનેક શ્રધ્ધાળુઓ ઉમટ્યા..

વાત્સલ્યમ સમાચાર
નવસારી
*પ્રતિવર્ષ દિવાસાના રોજ નવસારી શહેરમાં હળપતિ-રાઠોડ સમાજ ભારે આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવાય છે ઢીંગલા ઉત્સવ*
નવસારી,તા.24:નવસારી જિલ્લામાં ઉજવાતો ઢીંગલા ઉત્સવ આદિવાસી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે દિવાસાના દિવસે નવસારી શહેરમાં આસ્થાના ભાગરૂપ ઢીંગલાબાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અનેક શ્રધ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. આ શોભાયાત્રા નવસારીના દાંડીવાડથી શરૂ કરી પૂર્ણા નદી પાસે સમાપન થઇ હતી. યાત્રાના દરમિયાન ઢીંગલાબાપા આગળ નાચ ગાન રજુ કરી માનતાઓ પુરી કરવામાં આવી હતી. અનેક શ્રધ્ધાળુઓએ ઢિંગલાબાપા આગળ વિવિધ ભોગ અર્પણ કરી પોતાની માનતાઓ પુરી કરી હતી. યાત્રાના અંતિમ તબ્બક્કામાં ભક્તિભાવપૂર્વક ઢીંગલાબાપાની પ્રતિમાને રીંગરોડના મિથિલી નગરી નજીક દક્ષિણ પૂર્ણા નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું
*ઢીંગલા ઉત્સવનો ઇતિહાસ*
*શોભાયાત્રાના પ્રારંભથી ઢીંગલાબાપાના હોઠના મુખે શ્રધ્ધાળુઓ દ્વારા સતત સળગતી સિગારેટ મૂકવામાં આવે*
નવસારીમાં અષાઢી અમાસનો આદિવાસી એકતા ઢીંગલા ઉત્સવની લોકવાયકા દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત છે. પ્રતિવર્ષ દિવાસો ઉત્સવ પર્વે નવસારી શહેરમાં હળપતિ-રાઠોડ સમાજ દ્વારા ખૂબજ ધામધૂમથી રંગેચંગે અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ છે. હળપતિ સમાજમાં ઢીંગલાબાપાનો ઉત્સવનો ધાર્મિક મહિમા રહેલો છે. અને તેથી તેની પૂજા અર્ચના કરાય છે. શોભાયાત્રાના પ્રારંભથી ઢીંગલાબાપાના હોઠના મુખે શ્રધ્ધાળુઓ દ્વારા સતત સળગતી સિગારેટ મૂકવામાં આવે છે. હળપતિ સમાજના શ્રધ્ધાળુઓ તેમની માનતા પણ ઢીંગલાબાપાને ચઢાવે છે.
એક લોકવાયકા મુજબ બ્રિટીશરાજ વખતે નવસારી શહેરમાં દાંડીવાડ વિસ્તારમાં પારસીના ધંધાના સ્થળે આદિવાસી લોકો રોજગારી મેળવી ગુજરાન ચલાવતા હતાં અને તે સમય દરમિયાન આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાને લીધે ઘણાં લોકો મૃત્યુ પામ્યા હતાં અને મૃત્યુનો દોર ચાલુ રહેતા આ વિસ્તારના પારસી બંધુઓએ માનતા કરી ઘાસના પૂતળાને ઢીંગલા જેવું રૂપ આપી પારસીના સફેદ કપડા પહેરાવી અગ્નિપૂજાની ધાર્મિક વિધિ કરી. આ ઢીંગલાને ખભા પર બેસાડી ગલીઓમાં ફેરવ્યા બાદ તેનું નદીમાં વિસર્જન કરાવ્યું હતું અને તેની સાથે જ ટુંક સમયમાં રોગચાળાથી મૃત્યુની ઘટના અટકી હતી. બસ ત્યારથી જ આજદિન સુધી શ્રધ્ધા સાથે રાઠોડ-હળપતિ સમાજ દ્વારા પ્રતિવર્ષ ઢીંગલાબાપાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. વાડીગામ વિસ્તારના હળપતિઓ પણ આ ઉત્સવ ઉજવે છે, જેમાં ગડત અને ધમડાછા મુખ્ય ગામો છે.
*ઢીંગલાબાપાનો પહેરવેશ* ઢીંગલાબાપાની અષાઢી અમાસના અગાઉના પાંચ દિવસ વિવિધ વિધિ કરી અષાઢી અમાસના દિને શોભાયાત્રા દાંડીવાડથી નીકળી કહારવાડ—ગોલવાડ–તરોટા બજાર– પિન્કી એપાર્ટમેન્ટ થઈ પરત દાંડીવાડ મિશ્ર શાળા નંબર–૩ની બાજુમા થઈ પૂર્ણા નદીના કોતરમાં વિસર્જન કરવામાં આવે છે. આ ઢીંગલાબાપાનો પહેરવેશ પારસી સમાજ સાથે સંકળાયેલો છે. જે રીતે જગન્નાથ પૂરી ભગવાનમાં કરોડો લોકોની આસ્થા રહેલી છે એજ રીતે ઢીંગલાબાપા સાથે નવસારી શહેરના શહેરીજનો તથા આજુ બાજુના ગાંમડાના સ્થાનિકોની પણ અપાર શ્રધ્ધા જોડાયેલી છે.
સમય જતાં આદિવાસી જીવનશૈલીમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. અનેક રીતરિવાજો પણ લુપ્ત થવાના આરે છે, પરંતુ અમુક જાગૃત આદિવાસી સમાજના લોકો દ્વારા આ પરંપરા જાળવી રાખવાના સરાહનીય પ્રયાસ પણ થઈ રહ્યાં છે.




