
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા ચાલુ વર્ષે દક્ષિણ ઝોન પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ ૨૦૨૪-૨૫ નું આયોજન આગામી સપ્ટેમ્બર માસમાં કરવામાં આવનાર છે. નવસારી જિલ્લાના દિવ્યાંગ બાળકોને તેમજ જિલ્લાની દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થાઓને તેમની સંસ્થાના વધુમાં વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે માટે નિયત નમૂના મુજબના પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી , સી-બ્લોક, બીજામાળે, જિલ્લા સેવાસદન, જુનાથાણા, નવસારી ખાતેથી રૂબરૂ અથવા ઈમેલ (1) dydonavsari28@gmail.com (2) dydo-sycd-nav@gujarat.gov.in
થી મેળવી તા.૨૪/૦૮/૨૦૨૪ સુધી સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં પરત જમા કરાવવાના રહેશે.
ચાલુ વર્ષે ઉમંગ ઉત્સવ ૨૦૨૪-૨૫ માં ૦૭ થી ૧૨ વર્ષ સુધીના દિવ્યાંગ બાળકો અને ૦૭ થી ૧૫ વર્ષ સુધીના મંદબુધ્ધિના બાળકો માટે એમ અલગ અલગ બે વિભાગમાં સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય ક્ષેત્રની તાલીમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
ઉમંગ ઉત્સવ પ્રદેશકક્ષાએ અને રાજ્યકક્ષાએ ભાગ લેનાર સંસ્થાઓ/કલાકારોને પ્રવાસભથ્થું તથા નિર્ણાયકશ્રીઓને માનદ વેતન અને પ્રવાસભથ્થું તેમજ સમગ્ર સ્પર્ધાના આયોજન- સંચાલન માટે કલામહાકુંભના નિયમોનુસાર કાર્યવાહી કરવાની રહેશે. ભાગ લેનાર સ્પર્ધકો પૈકી પ્રદેશકક્ષા વિજેતા સ્પર્ધકો/સહાયક દીઠ રૂ.૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પૂરા) અને રાજ્યકક્ષા વિજેતા સ્પર્ધક/ સહાયક દીઠ રૂ.૧૫૦૦/- (અંકે રૂપિયા એક હજાર પાંચસો પૂરા) તેમજ સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
નવસારી જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતા દિવ્યાંગ બાળકો/ દિવ્યાંગ બાળકોની સંસ્થાઓ છે તેમની પાસેથી ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા અંગેનું નિયત નમૂના મુજબનું પ્રવેશપત્ર ભરાવી, વધુમાં વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરાય તે માટે માર્ગદર્શન આપવા વિનંતી. કાર્યક્રમ અંગેનો વિગતવાર પરિપત્ર એન્ટ્રી ફોર્મ મોકલનારને જ પાછળથી મોકલવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે કચેરી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૦૬૬૩ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.


