નવસારી જિલ્લામાં વંદે માતરમ@૧૫૦ની સ્વદેશીની શપથ સાથે દિવ્ય-ભવ્ય ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુપ્ષ લતા સહિત વિવિધ અધિકારી કર્મચારીઓ દ્વારા “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત “વંદે માતરમ“ના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઇ હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાની વડાપ્રધાનશ્રીએ પ્રેરણા આપી છે. જેના ભાગરૂપ આજરોજ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ@૧૫૦”ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ આ ઉજવણી અંતર્ગત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુપ્ષ લતાના અધ્યક્ષસ્થાને તથા નિવાસી અધિક કલેક્ટર અને નવસારી જિલ્લા પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુપ્ષ લતાએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ’ આ બે શબ્દોએ કોઈ સામાન્ય નારો નથી. વંદે માતરમ. આ એક એવો ક્રાંતિ મંત્ર છે કે જેને બોલતા જ ભારતના ૧૪૦ કરોડ નાગરિકોના હ્યદયના તાર રણઝણી ઉઠે છે. વંદે માતરમ્ એટલે માતૃભૂમિને વંદન. ભારતમાતાને વંદન. આ દેશની માટીને વંદન.
તેમણે ‘વંદે માતરમ’ ગીત વિશે જાણકારી આપતા ઉમેર્યું હતું કે, આપણા દેશની હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી આપણી આ માતૃભૂમિને ‘ભારતમાતા’ તરીકે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ વંદેમાતરમ ગીતમાં પ્રથમ વાર કલ્પના કરી હતી. આ ગીતની રચના ૦૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે પૂરી થઈ હતી. ત્યારબાદ આ ગીતને ‘આનંદ મઠ’ નામની નવલકથામાં સમાવવામાં આવ્યું હતું. લોકોના હ્યદયમાં રાષ્ટ્રભક્તિ જગાવવામાં આ ગીત અને નવલકથાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
આજે ‘વંદે માતરમ’ની રચનાની દિવ્ય ઘટનાનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા સહિત દરેક ભારતીય દ્વારા આ અવસર દિવ્ય-ભવ્ય રીતે ઉજવણી થવી જોઈએ સાથે સાથે સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિનાં વિકાસમાં સહભાગી થવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આહવાન કર્યું હતું.
*સ્વદેશી શપથ*
હું, ભારતમાતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે, મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશનાં પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ.






