નવસારી: જલાલપોર તાલુકામાં રૂ.૨૯૫.૦૦ લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા ૨૦, જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર. સી.પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) ના કાર્યક્ષેત્ર હેઠળ આવતા મહત્વના રસ્તાના જેવા કે ચોખડ ધામણ રોડ, ડાલ્કી એપ્રોચ રોડ, વેસ્મા એપ્રોચ રોડ, કરાખટ એપ્રોચ રોડ જેવા ૬.૦૦ કિલોમીટરના મુખ્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોને મજબૂતીકરણ કરવાનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે રૂ.૨૯૫.૦૦ લાખ (રૂપિયા બસો પંચાણું લાખ) ખર્ચે કરવામાં આવશે, જેથી જલાલપોર તાલુકામાં આવેલ આજુબાજુનાં ગામના નાગરિકોને વધુ સુગમ અને સુરક્ષિત પરિવહનની સેવા પ્રાપ્ત થશે .

આ કામગીરીમાં રસ્તાના હાલના માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. જેનાથી ભારે ટ્રાફિક અને ચોમાસાના પડકારોનો સામનો કરવા માટે રસ્તો સક્ષમ બનશે. માર્ગ અને મકાન વિભાગના દ્વારા કામગીરીને સમયસર અને ઉચ્ચ ગુણવત્તાના માપદંડો સાથે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું .
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ , સ્થાનિક અગ્રણીઓ – પદાધિકારીઓ , નવસારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા




