નવસારી; પ્રાકૃતિક ખેતીમાં વાવેતર પહેલા બીજામૃત વડે કરાય છે ‘બીજ માવજત’
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

બીજ માવજત’ બીજના સારા અંકુરણ અને ઝડપી વિકાસ કરે, બીજને જમીનજન્ય રોગોથી રક્ષણ આપે છે.
સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો વપરાય છે અને પાકને જંતુઓ કે રોગથી રક્ષણ માટે અત્યંત તીવ્ર અને ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે. તેનો ગેરફાયદો એ છે કે ઉપજમાં ઝેરી જંતુનાશકો રહી જાય છે, જે સ્વાસ્થ્ય જોખમાવી શકે છે. વધુમાં જમીનની કુદરતી ઉત્પાદનક્ષમતા લાંબા સમયે ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એ જમીન અને આરોગ્યની જાળવણી માટે એક વૈકલ્પિક કૃષિપદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ગુજરાત રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગેનું તાલીમ, સહાય અને માર્ગદર્શન પુરું પાડીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ મોડેલ પાંચ સ્તંભનું છે. આ સ્તંભો બીજામૃત, જીવામૃત, વાપ્સા, આચ્છાદન અને મિશ્ર ખેતી છે. પ્રાકૃતિક ખેતીમાં વાવેતર પહેલાથી જ બીજ પર જીવામૃતનો પ્રયોગ કરવામાં આવે છે, જે પાકના શરુઆતના વિકાસ માટે એક પાયા સમાન બની રહે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજીના સંશોધન અને તાંત્રિક સહયોગથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વર્ણવાયેલ પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અનુસાર પ્રાકૃતિક ખેતીમાં ‘બીજ માવજત’ વિષે આ લેખમાં જાણી ‘બીજ માવજત’ એટલે બીજના વાવેતર પહેલા બિયારણને પટ આપવાની પ્રક્રિયા. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત વડે બીજને વાવણી માટે તૈયાર કરવામાં આવે છે. શાકભાજીના સારાં ઉત્પાદન માટે બીજામૃતથી તેની માવજત કરવી વધુ અગત્યની છે. બીજ માવજતથી બીજનું અંકુરણ સારી રીતે થાય છે, જેના પરીણામે સારું ઉત્પાદન મેળવવામાં મદદ મળે છે. બીજ માવજત કરેલ બીયારણો ઝડપથી અને વધુ પ્રમાણમાં ઉગે છે અને તેને જમીનજન્ય રોગોથી રક્ષણ પ્રાપ્ત થાય છે.
બીજ માવજત માટે બીયારણને બીજામૃતમાં નિયત સમય સુધી ડુબાડીને રાખવામાં આવે છે. સામન્ય બીયારણને ૬ થી ૭ કલાક માટે અને અમુક જાડી ચામડીવાળાં બીયારણ જેમ કે કારેલા, ટીંડોળાના બીજ વગેરેને ને ૧૨ થી ૧૪ કલાક સુધી ડુબાડીને રાખવાનાં હોય છે. આ બીજને ડુબાડીને બાહર કાઢ્યાં બાદ તેને છાયામા સુકવીને પછી તેનું વાવેતર કરી શકાય છે.
બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, પલાળેલો ચુનો, પાણી અને માટીનો ઉપયોગ કરવામાં આવે છે. ૫ કિલો દેશી ગાયનું છાણ, ૫ લીટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ પલાળેલો ચુનો, ૨૦ લીટર પાણી અને સજીવ માટી ૧ મુઠ્ઠીને મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણને લાકડી વડે દિવસમાં બે વાર સારી રીતે હલાવવામાં આવે છે, આ રીતે મિશ્રણ ૨૪ કલાકમાં બીજ માવજત માટે તૈયાર બીજામૃત બની જાય છે. પ્રાકૃતિક ખેતીમાં આવી સામાન્યપણે ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ ઓછાં ખર્ચે અને સરળ રીતે ખેતી માટેના પોષક ખાતર અને રક્ષક અર્ક બનાવી વાપરવામાં આવે છે.



