પંચમહાલ: શહેરામાં ઉત્તરાયણ પૂર્વે સુરક્ષા અભિયાન; 400 બાઈક પર નિઃશુલ્ક ‘થ્રેડ-ગાર્ડ’ લગાવાયા

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી વાહનચાલકો અને પશુ-પક્ષીઓને થતા અકસ્માતો નિવારવા માટે શહેરાના અણીયાદ ચોકડી ખાતે એક વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો. મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્ક્યુ ટીમ-શહેરા દ્વારા આ નિઃશુલ્ક સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત અણીયાદ ચોકડી પાસેથી પસાર થતા આશરે 400 જેટલા બાઇક પર ‘થ્રેડ-ગાર્ડ’ (સેફ્ટી વાયર) લગાવામાં આવ્યા હતા. આ ગાર્ડ લગાવવાથી વાહનચાલકો ગળાના ભાગે દોરી વાગવાથી થતા જીવલેણ અકસ્માતોથી બચી શકે છે. આ સાથે જ સંસ્થા દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષા, ત્વરિત સારવાર અને સંરક્ષણ માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. અંકુર ચૌધરી, શહેરા નગરપાલિકાના એસ.આઈ. જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ સંસ્થાના સેન્ટર ડાયરેક્ટર મનજીત વિશ્વકર્મા અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. મહાનુભાવોએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું અને નાગરિકોને સાવચેતીપૂર્વક તહેવાર ઉજવવા અપીલ કરી હતી.શહેરા નગરના જાગૃત નાગરિકોએ આ સેવાકીય પ્રવૃત્તિને ઉમળકાભેર વધાવી લીધી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ ટીમનું પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું અને આ ઉમદા કાર્ય બદલ મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





