બોડેલી તાલુકાના પાટીયા ગામે નવીન બ્રિજ મુદ્દે વિવાદ, કોન્ટ્રાક્ટર અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી

બોડેલી તાલુકાના પાટીયા ગામે તાજેતરમાં નિર્માણ પામેલ નવા બ્રિજને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. ચોમાસા દરમિયાન બ્રિજ નજીક ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં ગામમાં આવન-જાવનમાં મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજનું નિર્માણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, જેમાં એક તરફનો બ્રિજ યોગ્ય બન્યો છે જ્યારે બીજી તરફ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી રોડ પર જ ભરાઈ રહે છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, બ્રિજની ડિઝાઇન અને બાંધકામમાં ગંભીર ખામીઓ હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ મુદ્દે જ્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાની ઘટના બની હતી. પરિસ્થિતિ તણાવપૂર્ણ બની જતા સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર તપાસ માટે આવ્યા નથી. બ્રિજની ખામીઓ દૂર કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની તથા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે અને ગ્રામજનોને ક્યારે રાહત મળે છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





