GUJARATSINORVADODARA

સાધલી ગામે બીજા દિવસે પણ ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને જતા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો



ફૈઝ ખત્રી ..શિનોર
શિનોર તાલુકાના સાધલી મેઈન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી વહન કરતા ટ્રેક્ટરોમાંથી ઊડતી ધૂળ પાછળથી આવતા દ્રિચક્રી વાહનચાલકોની આંખોમાં પડતા અકસ્માતનો ભય ઊભો થયો છે. આ મુદ્દે ગતરોજ અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં માટી વહન કરતા ટ્રેક્ટર ચાલકોમાં તંત્રનો કોઇ ડર ન હોય તેમ બીજા દિવસે પણ સાધલી–અવાખલ માર્ગ પર તાડપત્રી વિના માટી ભરેલા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળ્યા હતા. જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરો દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી માટી લઈ જવામાં આવી રહી છે. આ કામગીરી માટે ગ્રામ પંચાયત દ્વારા કેટલા ટ્રેક્ટરોને રોયલ્ટી આપવામાં આવી છે અને વાસ્તવમાં કેટલા ટ્રેક્ટર માટી લઈ જાય છે તે મુદ્દે સ્પષ્ટતા ન હોવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ગામજનોનો આક્ષેપ છે કે સંબંધિત ખાણ-ખનીજ વિભાગ આ મામલે ગોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. જો યોગ્ય પરવાનગી વિના માટી ખોદકામ થતું હોય તો તે સરકારી આવકને નુકસાન સાથે પર્યાવરણ અને જળસ્તર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી ભરી જાહેર માર્ગ પર બેફામ દોડતા ટ્રેક્ટર ચાલકો સામે શિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે શિનોર પોલીસ આવા બેદરકાર ટ્રેક્ટર ચાલકો સામે શું પગલાં ભરે છે.

Back to top button
error: Content is protected !!