
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભિલોડાના ટાકાટુકા ગામે ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપાયા, પોલીસની કાર્યવાહી – મૂળ માલિક કોણ..? પોલીસની કામગીરી સામે અનેક સવાલો
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે ભિલોડા પોલીસે શિવરાત્રી અગાઉ મોટી કાર્યવાહી કરી ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવણી કરાયેલા ગાંજાના છોડ ઝડપ્યા છે.પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા દરોડા દરમિયાન ખેતરમાંથી કુલ ૨૩ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે અંદાજે ૯.૭૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આ કેસમાં સંજય ગમાર નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ગાંજાના છોડ ઝડપાયેલા ખેતરનો માલિક સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ અને પૂર્વ રાજકીય આગેવાન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે શનિવારની રજા હોવાના કારણે ખેતર માલિકનું નામ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી, તેમ પી.આઈ. એપી ચૌધરીએ જણાવ્યું હતું.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યોગ્ય વિગતો સામે આવ્યા બાદ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ખેતર માલિક સામે પણ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જમીનની ચોક્કસ વિગતો જાહેર નહીં — પોલીસ કામગીરી પર ચર્ચા
આ કાર્યવાહી અંગે પોલીસે ખેતરની સર્વે નંબર સહિતની ચોક્કસ જમીન વિગતો જાહેર કરી નથી. જેના કારણે સ્થાનિક સ્તરે પોલીસ દ્વારા પારદર્શિતાના મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. જાહેરમાં ચર્ચા છે કે, જમીનનો માલિક, કબજા ભોગવટેદાર અને વાસ્તવિક વાવેતર કરનાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ થવો જોઈએ. Lઆવી વિગતો કેમ જાહેર કરવામાં આવી નથી, તેને લઇને અનેક તર્ક વિતર્ક છે અને જો જાણી જોઈને વિગતો છુપાવવામાં આવી હોય, તો ગંભીર બેદરકારી કોની ..?





