આણંદ સર્વેમાં 6722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળ્યા

આણંદ સર્વેમાં 6722 ઘરોમાં મચ્છર ઉત્પત્તિના પોરા મળ્યા
તાહિર મેમણ – આણંદ – 07/08/2025 – ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીમાં મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થાય છે. આ કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. આ રોગોને અટકાવવા માટે આણંદ જિલ્લામાં વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલના નેતૃત્વમાં આણંદ જિલ્લાના 55 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 8 અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓએ જુલાઈ માસમાં વિવિધ ટીમો બનાવી છે.
આ ટીમોએ જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં સર્વે હાથ ધર્યો હતો. એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. રાજેશ પટેલના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગની ટીમે 4,45,216 ઘરોની તપાસણી કરી હતી. આ દરમિયાન 14,33,964 પાત્રો તપાસવામાં આવ્યા હતા.
તપાસણી દરમિયાન 6,722 ઘરોના 7,124 પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા હતા. આ પૈકી 10,840 પાત્રો નાશ કરવામાં આવ્યા છે. 1581 ઘરો ખાતે ફોગિંગ કરવામાં આવ્યું છે અને 56 ઘરો ખાતે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 48,673 વ્યક્તિઓના લોહીના નમૂના લઈને તપાસ કરવામાં આવી છે. 212 સ્થળો પર ગપ્પી માછલી મૂકવામાં આવી છે. આરોગ્ય વિભાગે 1200 શૈક્ષણિક સંસ્થાઓ, 377 ધાર્મિક સ્થળો, 135 ઔદ્યોગિક વિસ્તારો, 278 સરકારી કચેરીઓ, 454 ટાયર-ભંગારની દુકાનો, 65 પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન તેમજ 413 બાંધકામ સાઈટ પર સર્વે કર્યો હતો.
સર્વે દરમિયાન 152 વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી અને મેલેરિયા જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત 260 જૂથ ચર્ચા, 42 શિબિર, 30 હજાર બેનર-પત્રિકાઓનું વિતરણ, 12 પ્રદર્શન અને સોશિયલ મીડિયાના 550 મેસેજ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે.




