AHAVADANGGUJARAT

ડાંગમાં સગીરા પર દુષ્કર્મ મામલે જનાક્રોશ:- ધારાસભ્ય અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની પોકાર..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ સ્વરાજ આશ્રમશાળાનાં સંચાલક પ્રમુખનાં પતિનાં વિરોધમાં આહવા નગરનાં ગ્રામજનોએ રેલી કાઢી કડક કાર્યવાહીની માંગ કરી..

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષાનું પ્રતીક ગણાતી આ સંસ્થામાં જ રક્ષક ભક્ષક બનતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ૧૫ વર્ષીય સગીરા પર થયેલા આ અત્યાચારના વિરોધમાં આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.અને પીડિતાને ન્યાય અપાવવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આશરે સાતથી આઠ દિવસ પહેલા આયોજનબદ્ધ રીતે ઘડવામાં આવી હતી. આશ્રમશાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકે સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવ્યો હતો. આ કાવતરામાં આશ્રમમાં રસોઈકામ કરતી સોનલબેન નામની મહિલાએ મદદગારી કરી હતી. સોનલબેને સગીરાને “રસોડામાં કામ છે” તેમ કહી વિશ્વાસમાં લીધી અને ત્યારબાદ તેને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી.સગીરા બેભાન જેવી અવસ્થામાં આવતા જ પ્રફુલ નાયક તેને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે આહવા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી પ્રફુલભાઈ નાયક અને મદદગાર રસોઈણ સોનલબેન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે.હાલમાં સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી નિવેદન નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.આ ઘટનાની જાણ થતા જ ડાંગના આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ ડાંગના ધારાસભ્ય વિજય પટેલને ન્યાય માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ, ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.ધારાસભ્ય વિજય પટેલ એ જણાવ્યું હતું કે,આ ઘટના ડાંગ જિલ્લા માટે અત્યંત દુઃખદ અને કલંકિત છે. જે સંસ્થામાં વાલીઓ પોતાની દીકરીઓને સુરક્ષિત માનીને ભણવા મોકલે છે, ત્યાં આવું કૃત્ય અસહ્ય છે. આરોપી ગમે તેટલી વગ ધરાવતો હોય, તેને છોડવામાં આવશે નહીં. આરોપીને કડક સજા અપાવવા માટે મારે જ્યાં પણ રજૂઆત કરવી પડશે ત્યાં હું કરીશ.”આશ્રમશાળાના સંચાલક મંડળ સાથે જોડાયેલા વગદાર વ્યક્તિની સંડોવણીને કારણે સામાન્ય જનતામાં ફાળ પડી છે. લોકોની માંગ છે કે આ કેસમાં કોઈ પણ પ્રકારના રાજકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ થાય અને નરાધમોને એવી સજા મળે કે જે સમાજમાં એક દાખલો બેસાડે. હાલમાં સમગ્ર ડાંગ પંથકમાં આ ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે..

Back to top button
error: Content is protected !!