
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વરસાદી માહોલમાં સાપુતારા ઘાટ માર્ગમાં વહેલી સવારે ભેખડો ધસી પડ્યા બાદ ફરી એકવાર સાંજે ભૂસ્ખલનની ઘટના બની હતી,જેના કારણે સાપુતારા તરફ જતા અને આવતા બંને તરફનો વાહન વ્યવહાર કલાકો સુધી સંપૂર્ણપણે અટકી ગયો હતો.વહીવટી તંત્ર દ્વારા રસ્તો ફરીથી ખોલવા માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.વહેલી સવારે સાપુતારા ઘાટ માર્ગ પર અચાનક ભેખડ સહીત માટીનો મલબો ધસી પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં જેસીબી મશીન અને શ્રમિકોની મદદથી રસ્તા પરથી પથ્થરો અને માટી હટાવવામાં આવ્યા હતા અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.
જોકે, સાંજના સમયે ફરી એકવાર ભૂસ્ખલનની મોટી ઘટના બની હતી.પર્વત ઉપરથી મોટા પથ્થરો ધસી પડ્યા હતા અને આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો.આ ઘટના બાદ સાપુતારા જતા અને આવતા બંને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નોટિફાઈડ વિભાગનાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને તાત્કાલિક રસ્તો ખોલવાની કામગીરી શરૂ કરાવી હતી.હાલમાં બે જેટલા જેસીબી મશીન અને અન્ય સાધનોની મદદથી રસ્તા પરથી પથ્થરો હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યુ છે.સાથે કાટમાળ હટાવી માર્ગ પૂર્વરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.અહી લખાય છે ત્યાં સુધીમાં ભેખડો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરવામાં આવી છે.સાપુતારા ઘાટમાર્ગમાં ભૂસ્ખલનની ઘટનાઓ ચોમાસાની ઋતુમાં સામાન્ય બની છે.જેથી વાહનચાલકોને ઘાટ માર્ગ પરથી પસાર થતી વખતે વધુ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે..






