
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંજરોલ ગામે ઉત્તરાયણની રાત્રીએ થયેલા લોહિયાળ હુમલાએ હવે ભયાનક વળાંક લીધો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ૩૩ વર્ષીય યુવકનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંજરોલ ગામે જલારામ મંદિર પાસે રહેતા વિજય બાલુભાઈ પાટણવાડીયા (ઉં. ૩૩) ગત ૧૪ જાન્યુઆરીની મોડી રાત્રીએ પોતાના ઘરમાં સૂતા હતા. તે સમયે ગામમાં જ રહેતા મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડીયા નામના શખ્સે ઘરમાં ઘૂસીને વિજયના માથામાં પરાઈ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલા બાદ વિજયને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તબીબોએ તેમની ગંભીર હાલતને ધ્યાને લઈને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જોકે, લાંબી સારવાર બાદ ગત રોજ વિજય પાટણવાડીયાનું મોત નીપજ્યું છે.
આ ઘટનાના પગલે સમગ્ર માંજરોલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.



