GUJARATKUTCHMUNDRA

નાતાલની ઘેલછામાં તુલસી પૂજનની ભવ્ય વિરાસતને ભૂલતું ભારત

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

નાતાલની ઘેલછામાં તુલસી પૂજનની ભવ્ય વિરાસતને ભૂલતું ભારત

 

રતાડીયા,તા.25: ૨૫મી ડિસેમ્બરે જ્યારે આખું ભારત પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ડૂબીને નાતાલની ઉજવણીમાં મશગૂલ છે ત્યારે આપણે આપણી સનાતન સંસ્કૃતિના પ્રાણ સમાન ‘તુલસી પૂજન’ ને વિસરી રહ્યા છીએ તે અત્યંત દુઃખદ બાબત છે. જે દેશમાં તુલસી વગર ભગવાન પણ ભોગ સ્વીકારતા નથી અને જ્યાં જન્મથી લઈને મૃત્યુ સુધી તુલસીના પત્રોની સાક્ષી અનિવાર્ય છે ત્યાં આજે સોશિયલ મીડિયામાં નાતાલના ફોટા વાયરલ કરનારા હિન્દુ સભ્યોને પોતાની વિરાસતનું જ્ઞાન નથી. આશ્ચર્યની વાત તો એ છે કે દેશના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા પણ નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે પરંતુ તુલસી પૂજન વિશે મૌન સેવવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિના કારણે આજે ગામડાઓ અને શાળાઓમાં પાર્ટી કલ્ચર જેવા દુષણો વધી રહ્યા છે ત્યારે તુલસીનો છોડ કે જે ૨૪ કલાકમાંથી ૨૦ કલાક ઓક્સિજન આપે છે અને અસંખ્ય રોગોનું મારણ છે તેની અવગણના ભારત માટે મોટું નુકસાન છે.

આ પ્રદૂષિત અને બીમારીઓથી ઘેરાયેલા સમયમાં જનજાગૃતિ લાવવી અનિવાર્ય છે. હવે સમય પાકી ગયો છે કે દરેક રાજકીય કે ધાર્મિક કાર્યક્રમોમાં સન્માન કરતી વખતે ફૂલહાર (બુકે) આપવાને બદલે ‘તુલસીના છોડ’ નું વિતરણ કરવામાં આવે જેથી પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનું જતન થાય. દરેક સરકારી કચેરી, શાળા અને દવાખાનામાં તુલસીના ક્યારા ફરજિયાત બનાવવા જોઈએ. ખાસ કરીને હોસ્પિટલોમાં આયુષ ડોક્ટરોએ દવાની સાથે દર્દીઓને તુલસીના પાન અને તેના અર્કનો ઉપયોગ સમજાવીને સારવાર પદ્ધતિમાં તેને સામેલ કરવી જોઈએ. શાળાઓમાં બાળકોને સાન્તાક્લોઝને બદલે તુલસીના ઔષધીય અને આધ્યાત્મિક મહત્વ વિશે સમજાવવામાં આવે તો જ ભારતીય સંસ્કારો જીવંત રહેશે. જો અત્યારે આપણે જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢી પવિત્રતા અને આરોગ્યના આ સાચા ‘જીવન રક્ષક’ સ્ત્રોતને કાયમ માટે ગુમાવી દેશે.

 

————————–

તંત્ર અને લોકોને અપીલ:

૧. દરેક શાળા, સરકારી કચેરી અને હોસ્પિટલમાં ફરજિયાતપણે તુલસીના છોડ રોપવામાં આવે. તુલસીના છોડ ઉછેરવા માટે કોઈ મોટો ખર્ચ થતો નથી અને તે અન્ય છોડ કરતા ઝડપથી વિકાસ પામે છે.

૨. શાળાઓમાં પાશ્ચાત્ય તહેવારોના નામે થતા ખર્ચ બંધ કરી બાળકોને તુલસીના ઔષધીય અને આધ્યાત્મિક ગુણો વિશે જાગૃત કરવામાં આવે.

૩. સોશિયલ મીડિયાના એવા ગ્રુપો કે જેઓ પોતાની સંસ્કૃતિ છોડીને પશ્ચિમના રવાડે ચઢ્યા છે તેમને આહવાન છે કે તે જાગે અને પોતાની ભવ્ય સંસ્કૃતિનું ગૌરવ લેતા શીખે.

​જો આજે આપણે નહીં જાગીએ તો આવનારી પેઢી માટે તુલસી પૂજન કે ભારતીય સંસ્કૃતિ માત્ર પુસ્તકોમાં જ રહી જશે. પશ્ચિમી સંસ્કૃતિના પાર્ટી કલ્ચરના દુષણો સામે તુલસી પૂજન એ જ સાચો અને પવિત્ર માર્ગ છે.


 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!