Limdi:લીમડી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ભારે હોબાળો: સરપંચે મીડિયાને કવરેજ કરતા રોક્યા અને ગંભીર બાબતો મુદ્દે સેવ્યું મૌન ડેપ્યુટી સરપંચનું સભ્ય સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન
ભુમાફિયા અને બિલ્ડરોના ઈશારે પંચાયત ચાલતી હોવાનો ૬ સભ્યોનો ધડાકો; પંચાયતની પારદર્શિતા સામે સવાલ: ચૂંટાયેલા સભ્યોને જ માહિતી અપાતી નથી; સભ્યો દ્વારા હવે વીડિયોગ્રાફી સાથેની રજૂઆતની ચીમકી આજરોજ તારીખ ૧૮.૦૩.૨૦૨૬ના રોજ લીમડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં લોકશાહીના મૂલ્યોનું હનન થતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એજન્ડા મુજબના વિકાસ કામોની ચર્ચા દરમિયાન પંચાયતના વહીવટમાં વ્યાપેલી ગેરરીતિઓ અને બેદરકારી મુદ્દે ૬ સભ્યોએ સત્તાધીશો સામે આક્રમક મોરચો માંડ્યો હતો.સભાની શરૂઆતમાં જ સરપંચ દ્વારા મીડિયાકર્મીઓને સભાનું કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા, જેનાથી પંચાયતની પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા થયા છે. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, પંચાયતનો વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નહીં, પરંતુ કેટલાક ભુમાફિયા અને બિલ્ડરોના ઈશારે ચાલી રહ્યો છે અને આ સત્ય બહાર ન આવે તે માટે મીડિયાને પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે.આશ્ચર્યની વાત એ હતી કે, સભામાં જ્યારે ભ્રષ્ટાચાર અને બિલ્ડરો સાથેની સાંઠગાંઠ જેવા ગંભીર મુદ્દાઓની ચર્ચા થઈ રહી હતી, ત્યારે સભાના અધ્યક્ષ એવા સરપંચ મૌન ધારણ કરીને બેસી રહ્યા હતા. સરપંચની આ ચુપકીદી અનેક શંકાઓ જન્માવી રહી છે. બીજી તરફ, જ્યારે સભ્યોએ જવાબ માંગ્યા ત્યારે ડેપ્યુટી સરપંચ દ્વારા અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. વહીવટી વડા તરીકે તલાટી-કમ-મંત્રી પાસેથી સચોટ ખુલાસાની અપેક્ષા હતી, પરંતુ તેમના દ્વારા પણ ‘ઉડતા જવાબ’ આપીને મામલો ટાળવાનો પ્રયાસ કરાતા સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.સભ્યોએ લેખિતમાં કડક સૂચના આપતા જણાવ્યું છે કે, જો મીડિયાને અટકાવવામાં આવશે તો હવેથી તેઓ પોતાના સહાયક (આસિસ્ટન્ટ) મારફતે સભાની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરાવશે. સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મનસ્વી વહીવટ બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને રૂબરૂ મળીને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે.લીમડી પંચાયતની આ સામાન્ય સભામાં થયેલા વિવાદે અને સરપંચના નકારાત્મક વલણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે