GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

તા.૨૬/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના ૧૮૩ લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો, ૨૫ નવી સી.એન.જી. બસનું લોકાર્પણ

:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:-

‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ’ યોજના દેશ માટે પ્લાન્ડ સીટી ડેવલપમેન્ટ માટેની દિશાદર્શક યોજના બની

શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી લોકોને વધુ સુવિધા આપવા માટે ૬૯ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરાયું

રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે બજેટમાં ગત વર્ષ કરતાં ૪૦% ના વધારા સાથે રૂ.૩૦,૩૨૫ કરોડની ફાળવણી કરી

સૌને આવાસ, આરોગ્ય અને આહાર મળે તેવી ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે શહેરોનો વિકાસ કરવાનું આયોજન હાથ ધરાયું છે

Rajkot: આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પ્રધાનમંત્રી આવાસ યોજના”ના ૧૮૩ લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રોનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જે સર્વગ્રાહી વિકાસ થયો છે, તેમાં સામાન્ય માણસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. દરેક નીતિ અને નિર્ણયો સામાન્ય માણસનું રોજીંદુ જીવન સરળ અને સુખમય કેવી રીતે બને તેનું ધ્યાન રાખીને લેવામાં આવે છે. સૌને આવાસ, આરોગ્ય અને આહાર મળે તેવી ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના સાથે શહેરનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને એક જ દિવસમાં રૂ.૫૬૫ કરોડથી વધુ વિકાસ કામોની ભેટ મળી છે. પહેલા કોર્પોરેશનમાં માત્ર એક લાખનું કામ કરાવવું હોય તો અનેક પ્રકારની મુશ્કેલી થતી હતી, પરંતુ વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિના પરિણામે આજે કરોડોના કામો ખૂબ જ સહેલાઈથી થઈ રહ્યા છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતે વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે જોયો એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે શહેરના વિકાસ માટે બજેટ ૪૦% વધાર્યું અને બજેટના કારણે કોઈપણ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. વર્ષ ૨૦૧૦માં ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ’ યોજના જાહેર કરી હતી. આ યોજના દેશ માટે પ્લાન્ડ સીટી ડેવલપમેન્ટ માટેની દિશાદર્શક યોજના બની છે. આ યોજનાના કારણે રાજ્યના શહેરીકરણમાં નવા બેન્ચમાર્ક સાબિત થયા છે. તાજેતરમાં રાજ્યના સર્વગ્રાહી વિકાસના પગલે શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી લોકોને વધુ સુવિધા આપવા માટે ૬૯ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરના વિકાસને વેગવંતો બનાવવા માટે વર્ષ ૨૦૦૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું હતું. તેમના જ માર્ગદર્શન હેઠળ હવે વર્લ્ડ ક્લાસ સીટી ડેવલોપમેન્ટની નેમ સાથે આપણે ૨૦૨૫નું વર્ષ પણ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કરવા સાથે રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે બજેટમાં ગત વર્ષ કરતાં ૪૦% ના વધારા સાથે રૂ.૩૦,૩૨૫ કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે આજે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બન્યા છે.

રાજ્ય સરકારે રાજકોટ સહિત ૬ ગ્રોથ હબ વિકસાવવાનું પણ આયોજન કર્યું છે. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ બને તે દિશામાં રિજિયોનલ ઝોન ડેવલોપમેન્ટ માટે આ વર્ષના બજેટમાં પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરના સ્વસ્થ વિકાસને પ્રાધાન્ય આપવા માટે જળ સંચય હેતુ ‘કેચ ધ રેઈન’, પર્યાવરણની જાળવણી સાથે વિકાસ માટે ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતાને જન જનનો સ્વભાવ બનાવવા માટે ‘સ્વચ્છતા અભિયાન’ સહિતના પર્યાવરણલક્ષી અભિયાનો ચલાવ્યા છે, જેમને વેગપૂર્વક આગળ ધપાવવા મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી. નાગરિકોની તંદુરસ્તીની ચિંતા કરીને મેદસ્વિતા સામે લડવા પણ પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે ત્યારે સ્વસ્થ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આ દિશામાં પ્રયાસો કરવા તેમણે આહ્વાન કર્યું હતું.

આ તકે મેયરશ્રી નયનાબહેન પેઢડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકાર આજે નાગરિકના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતા કરી રહી છે. દરેક મનુષ્યની રોટી, કપડાં અને મકાન જેવી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરવા માટે કટિબદ્ધતા સાથે કામ કરી રહી છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા ૧૮૩ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યા બદલ શુભેચ્છાઓ પાઠવતા તેમણે ઉમેર્યું કે રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ગેસ, ડ્રેનેજ, પાણી, લિફ્ટ, પાર્કિંગ અને આંગણવાડી સહિતની સુવિધાઓથી સજ્જ આશરે ૩૪,૦૦૦ જેટલા આવાસોનું નિર્માણ અને ફાળવણી કરીને સામાન્ય માણસના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.

રાજ્ય સરકારના સહયોગથી રાજકોટના વિકાસ વિશે વાત કરતાં મેયરશ્રીએ વધુમાં કહ્યું કે, રાજકોટવાસીઓને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે ‘સૌની’ યોજના હેઠળ આજી-૧ અને ન્યારી-૧ ને નર્મદા ડેમના પાણીથી ભરી દેવામાં આવ્યા છે. આજે રાજકોટ માટે સોનાનો સૂરજ ઊગ્યો છે જણાવી તેમણે ઉમેર્યું કે એક સાથે રૂપિયા ૫૬૫.૬૬ કરોડના વિકાસ કામોની ભેટ મળતા લોકોની સુખાકારીમાં વધારો થશે. રાજકોટ મહાનગરપાલિકા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’, ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના ધ્યેયમંત્ર સાથે રાજકોટનાં વિકાસ માટે કામ કરી રહી છે, ત્યારે સૌ સાથે મળીને વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારત બનાવવાની દિશામાં એક સાથે આગળ વધીએ.

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર દ્વારા સ્વાગત પ્રવચન અને ડ્રેનેજ સમિતિ ચેરમેન શ્રી સુરેશભાઈ વસોયાએ આભાર વિધિ કરી હતી. જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી.

આ લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વે શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, દુર્લભજીભાઈ દેથરીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક શ્રી મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન શ્રી નીતિનભાઈ રામાણી, અગ્રણી સર્વશ્રી ડૉ.માધવ દવે, ડૉ.ભરતભાઈ બોઘરા, શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રી અશ્વિનભાઈ મોલીયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી પ્રકાશભાઈ સોની, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી કમલેશભાઈ મીરાણી, શ્રી સુરેન્દ્રસિંહ વાળા સહિતના અગ્રણીઓ તેમજ કલેકટર શ્રી પ્રભવ જોશી, રૂડાના સી.ઈ.એ. શ્રી જી.વી.મિયાણી સહિત રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તની વિગતો

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ EWS-2 (૧.૫ BHK)ના ૧૩૩, MIG (૩ BHK)ના ૫૦ એમ કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં ૨૫ નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.૫૮.૫૪ કરોડના ૪ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.૩૩૨.૨૬ કરોડના જુદા જુદા ૩૫ પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ કુલ રૂ.૩૯૦.૮૦ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.૧૭૪.૮૩ કરોડના ૬ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. આમ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!