પંચમહાલ જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન
આજે તા.૧૬ મે થી આગામી તા.૩૦ મે સુધી જિલ્લાના પાંચ સ્થળોએ બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર યોજાશે*
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત- મેદસ્વિતા મુક્ત ગુજરાત ઝુંબેશ હેઠળ ૭ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો માટે તા.૧૬/૦૫/૨૦૨૫ થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીના ૧૫ દિવસના નિ:શુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે રાજ્યના ૩૨ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાં યોજાશે.
જે અંતર્ગત તા.૧૬ થી તા.૩૦ મે ના ૧૫ દિવસ સવારે ૭-૦૦ કલાકથી ૯-૦૦ કલાક દરમિયાન પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં શારદા મંદિર સ્કૂલ અને રેલવેડાઉન યાર્ડ ખાતે, હાલોલ તાલુકામાં વી.એમ.સ્કૂલ ખાતે, કાલોલ તાલુકામાં કાછિયાની વાડી ખાતે તથા ગુસર મંદિર ગ્રાઉન્ડ(ગુસર પ્રાથમિક શાળા) ખાતે જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની ઉમરના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર યોગ કેમ્પમાં અનુભવી અને સર્ટિફાઇડ યોગ શિક્ષકો દ્વારા નિયમિત યોગ તાલીમ આપવામાં આવશે. તેમજ ઘરે નિયમિત યોગ કરી શકાય તેવી માહિતી પુસ્તિકા અને કેમ્પના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે. આ યોગ કેમ્પનું રજીસ્ટ્રેશન વેબસાઈટ gsyb.in કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ સમર યોગ કેમ્પનો હેતુ યોગથી બાળકોને માહિતગાર કરી બાળકોને સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બનાવવાનો છે. યોગ બાળકોના તન અને મન તંદુરસ્ત બનાવે છે. બાળકને મેધાવી અને તેજસ્વી બનાવે તેમજ ભણતરમાં એકાગ્રતા સહિત યાદશક્તિમાં વધારો કરે છે. યોગ બાળકોની માંસપેશીઓની ક્ષમતા અને શરીરના લચીલાપણામાં વૃદ્ધિ કરે તેમજ મોબાઇલ અને જંકફૂડ જેવી કુટેવોથી દૂર રહેવા પ્રેરિત કરે છે.
************