
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયતી કામગીરી : ચોમાસામાં ચેતી જજો – મચ્છરના પોરા જોવા મળશે તો થશે દંડ અને જેલ!
મુંદરા, તા. 10 : ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આ મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ રોગોને અટકાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુંદરા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીની સૂચના હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયાની આગેવાનીમાં ભદ્રેશ્વર, વડાલા, લુણી, ગોયરસમા, બારોઈ, ગુંદાલા, મોટા અને નાના કપાયા, નાની તુંબડી, મોટા કાંડાગરા સહિતના ગામોમાં પોરા (લાર્વા) નાશક કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે.
આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ટાયર પંચરની દુકાનો, હોટેલો, ભંગારના વાડા અને જાહેર અવાડા જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. આ સ્થળોએ મોટી માત્રામાં મચ્છરના પોરા (બચ્ચાં) મળી આવતા સંબંધિત માલિકોને તાત્કાલિક સ્વચ્છતા જાળવવાની અને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સાથે લોકોને એક નોટિસ દ્વારા પણ જાણ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિની મિલકતમાં મચ્છરના પોરા જોવા મળશે, તો તે “રોગચાળા અધિનિયમ, ૧૮૯૭” હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર ગણાશે. આ ગુના બદલ દંડ અને કેદની સજા પણ થઈ શકે છે.
ચાલો આપણે સૌ સાથે મળીને આ ઝુંબેશમાં સહકાર આપીએ અને આપણા વિસ્તારને મચ્છરમુક્ત બનાવીએ. યાદ રાખો મચ્છરનું એક પણ બચ્ચું આપણા પરિવારના આરોગ્ય માટે જોખમી બની શકે છે. એવી લોકોને અપીલ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાઓનું પાલન કરીને આપણે સૌ આપણા અને આપણા સમાજના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ છીએ. ચાલો, આ લડાઈમાં આપણે સૌ એક થઈએ અને મચ્છરમુક્ત ગુજરાતનું નિર્માણ કરીએ.
————————-
મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે શું કરશો?
* ઘરની અંદર અને બહાર પાણી ભરાઈ રહે તેવી કોઈ પણ જગ્યા ન રાખો.
* કન્સ્ટ્રક્શન સાઇટ, ધાબા, અને બેઝમેન્ટમાં પાણીનો ભરાવો ન થવા દો.
* પાણીની ટાંકીઓ અને વાસણો હંમેશા ઢાંકેલા રાખો.
* વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેવા ટાયર, ભંગાર, કે અન્ય ખુલ્લા પાત્રો તાત્કાલિક હટાવી દો અથવા ઉંધા વાળી દો.
















(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)



