AHAVADANGGUJARAT

ડાંગ દરબારમાં આયોજનના નામે અવ્યવસ્થા? ફુવારા સર્કલથી આશ્રમ માર્ગ સુધી પ્લોટ ફાળવણી મુદ્દે જનતામાં ભારે રોષ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ધરોહર અને ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ના આયોજનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા અમુક નિર્ણયોને કારણે વિવાદના વમળો સર્જાયા છે. દર વર્ષે આ ઉત્સવનાં મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક આદિવાસી જનમેદની ઉમટી પડતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને અગાઉના વર્ષોમાં આહવાના ફુવારા સર્કલથી ડાંગ સ્વરાજ આશ્રમ સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો રાખવાની પરંપરા રહી છે.આ માર્ગ અત્યંત મહત્વનો ગણાય છે.કારણ કે તે વઘઇ,આહવા સિવિલ હોસ્પિટલની સાથે સાપુતારા, ચિંચલી અને નવાપુર જેવા મુખ્ય શહેરોને જોડતા માર્ગનો મુખ્ય હિસ્સો બને છે. જોકે, આ વર્ષે પ્રશાસન દ્વારા આ મહત્વના માર્ગ પર આશરે 50 મીટરના વિસ્તારમાં વેપારીઓને દુકાનો બનાવવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવતા સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.સ્થાનિક નાગરિકો અને વેપારીઓનો મુખ્ય તર્ક એ છે કે જો આ વ્યૂહાત્મક માર્ગ પર પ્લોટ ઉભા કરવામાં આવશે, તો રસ્તો સાંકડો થઈ જશે અને ડાંગ દરબાર જેવા વિશાળ આયોજનમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે.ખાસ કરીને સિવિલ હોસ્પિટલ આ માર્ગ પર સ્થિત હોવાથી ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સની અવરજવર ખોરવાઈ શકે છે, જે દર્દીઓના જીવ જોખમમાં મૂકી શકે છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો ટ્રાફિક જામને કારણે કોઈ મોટી હોનારત કે અનિચ્છનીય ઘટના બને, તો શું ડાંગ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ તેની નૈતિક જવાબદારી સ્વીકારશે ?સામાન્ય રીતે આવા મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સુરક્ષા અને જાહેર સુવિધા પ્રથમ અગ્રતા હોવી જોઈએ, પરંતુ અહીં વહીવટી તંત્ર દ્વારા પ્લોટ ફાળવણીને વધુ મહત્વ અપાતું હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.આ સંજોગોમાં આહવા અને આસપાસના વિસ્તારના જાગૃત નાગરિકોએ પ્રશાસનને પત્ર લખીને અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી છે.પ્રજાનું કહેવું છે કે ડાંગ દરબારની ગરિમા જળવાય અને પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની યોજના ઘડવી જોઈએ, નહિ કે મુખ્ય માર્ગો પર દબાણ વધારવું જોઈએ. હવે આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ લોકલાગણીને સમજીને પ્લોટ ફાળવણીના નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે કે પછી ટ્રાફિકની ગંભીર અંધાધૂંધી વચ્ચે જ આ વર્ષનો ડાંગ દરબાર સંપન્ન થશે તે જોવું જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!