વાસણા બેરેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ, ધારાસભ્ય અમિતભાઈ શાહના સ્વજનોની સ્મૃતિમાં કાર્યક્રમ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો વિકાસ વધારવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તે અંતર્ગત વાસણા બેરેજ કમ્પાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીના હસ્તે ‘એક પેડ મારા નામે’ અભિયાન અંતર્ગત રોપાવિધી કરાઈ હતી.
આ કાર્યક્રમનું આયોજન એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા તેમના માતા-પિતા અને અન્ય દિવંગત સ્વજનોના સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 370 જેટલા વિવિધ જાતોના વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે અમિતભાઈ શાહે કોરોનાકાળથી આજદિન સુધી સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વાસણા બેરેજ વિસ્તારમાં આશરે 72,000 જેટલા વૃક્ષો વાવી તેનો સંભાળ રાખ્યો છે. શહેરના મધ્યમાં આવેલ આ વિશાળ હરિયાળો વિસ્તાર આજે અમદાવાદની ફેફસાં તરીકે ઓળખાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસંગે જણાવ્યું કે વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ભવિષ્યની પેઢી માટે પર્યાવરણ સંરક્ષણનું વચન છે. શહેરમાં વૃક્ષોનું જાળવણ, વિકાસ અને સંભાળ એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે વધુમાં લોકોને પણ પોતાના જીવનના ખાસ પ્રસંગે એક વૃક્ષ વાવવાની અપીલ કરી.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ (કાકા), સાંસદ દિનેશભાઈ મકવાણા, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના કોર્પોરેટરો, હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પર્યાવરણપ્રેમી આ પ્રયાસથી વાસણા બેરેજ વિસ્તાર ભવિષ્યમાં નાગરિકો માટે વધુ હરિયાળો અને આરામદાયક ફેફસાં તરીકે વિકસી શકે એવી આશા વ્યક્ત થઈ રહી છે.












