તા.૦૮.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના હિમાલા ગામની અઢી વર્ષીય બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે રાછરડા ગામે ભુવા પાસે લઈ જતા ભુવાએ માવતરના ના કહેવા છતાં બાળકીના પેટ પર ગરમ સોયના ડામ દેતા બાળકીની તબિયત વધુ લથડતા બાળકીની માતાએ આ મામલે ભુવા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લો પાયાના શિક્ષણના અભાવે શૈક્ષણિક રીતે પછાત હોવાથી જિલ્લામાં છાસવારે અંધશ્રદ્ધાનું ભૂત ધુણતું હોવાના અહેવાલો છે. જેમાં ક્યાંક ડાકણ હોવાનો આરોપ મૂકી નિર્દોષ મહિલાને પ્રતાડિત કરવામાં આવી છે તો ક્યાંક વળગાડ હોવાનું કહી ભુવા દ્વારા ડામ દેવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં તારીખ ૨૯-૧-૨૦૨૫ ના રોજ દાહોદ તાલુકાના હિમાલા ગામના ખાંડીવાવ ફળિયામાં રહેતા કાજુભાઈ બાપુભાઈ ભાભોરના છોકરા રાહુલભાઈની છોકરી અઢી વર્ષીય ત્રિશાબેનને શ્વાસ લેવામાં તકલીફ પડતા ત્રિશાબેનની દાદી ૪૫ વર્ષીય રમીલાબેન કાજુભાઈ બાપુભાઈ ભાભોર પૌત્રી ત્રિશાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાના બદલે રાછરડા ગામે રહેતા ભગાભાઈ દલાભાઈ સોલંકી નામના ભુવાના ઘરે લઈ ગયા હતા. જ્યાં ભગાભાઈ સોલંકી નામના ભુવાએ કોઈકે કંઈક કરી દીધું હોવાથી તેને પેટ પર સોયના ડામ દેવા પડશે તેમ જણાવતા ત્રિશાબેનના દાદી રમીલાબેન ભાભોરે ડામ દેવાની ના પાડી હતી. તેમ છતાં ભુવા ભગા ભાઈ સોલંકીએ ભોગ બનનાર ત્રિશાબેનને પેટ પર ગરમ સોય વડે ડામ દીધા હતા. જેથી ત્રિશાબેનની તબિયત વધુ લથડતા ત્રિશાબેનને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રિશાબેન હાલ સારવાર હેઠળ છે. જ્યારે આ સંબંધે ભોગ બનનાર ત્રિશાબેનના દાદી હિમાલા ગામના ખાંડીવાવ ફળિયાના રમીલાબેન રાજુભાઈ બાપુભાઈ ભાભોરે રાછરડા ગામના ભગાભાઈ દલાભાઈ સોલંકી નામના ભુવા વિરુદ્ધ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભગાભાઈ સોલંકી નામના ભુવા વિરુદ્ધ બી.એન.એસ કલમ૧૧૮(૧) તથા બાળ સુરક્ષા અધિનિયમ ૨૦૧૫ ની કલમ-૭૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ભગાભાઈ દલાભાઈ સોલંકી નામના ભુવાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને તેના કારણે થતા નુકસાનને ઉજાગર કર્યું છે. આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં લોકો હજી પણ અંધશ્રદ્ધાના વમળમાં અટવાયેલા જાેવા મળે છે ત્યારે સવાલ એ થાય છે કે, આવી ઘટનાઓ ક્યારે અટકશે