Jetpur: નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીની ઉપસ્થિતિમાં જેતપુરમાં ૨૩૦ બાળકોનો થયો શાળાપ્રવેશ

તા.૩૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીની અધ્યક્ષતામાં જેતપુરમાં ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડીથી લઈને ધો.૧૧ સુધીમાં ૨૩૦ બાળકો-વિદ્યાર્થીઓનો શાળાપ્રવેશ કરાવાયો હતો.
શ્રી મહેશ જાનીની ઉપસ્થિતિમાં જેતપુરમાં ૨૮મી જૂને શાળા નંબર-૧૯, અક્ષર કન્યાવિદ્યાલય તથા લાયન્સ હાઇસ્કૂલ-જેતપુરમાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ શાળાઓમાં વિદ્યાર્થીઓના શાળાપ્રવેશ સાથે તેમને શૈક્ષણિક કિટનું પણ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં પાંચ, બાલવાટિકામાં ૨૫, ધો.૧માં સાત તેમજ ધો.૯માં ૮૫ કુમાર તથા ૬૧ કન્યા મળીને કુલ ૧૪૬ તથા ધો.૧૧માં ૪૭ છાત્રોએ ઉમંગભેર શાળાપ્રવેશ કરીને જ્ઞાનયાત્રાનો આરંભ કર્યો હતો. આ તકે શ્રી મહેશ જાનીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ, વાલીગણ, આચાર્યો, શિક્ષકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.







