Rajkot: ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં ‘કૃષિ સંસ્કાર પર્વ’ કાર્યક્રમ યોજાયું

તા.૨૬/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
બાયોટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી થકી કૃષિ ક્રાંતિ કરવાનું આહ્વાન : ક્વિઝ, પોસ્ટર અને વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ
Rajkot: ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ‘ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન’ (GSBTM) રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસ માટેની નોડલ એજન્સી છે. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) અને રાજકોટની ‘જય વિદ્યાલય’ના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ સંસ્કાર પર્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ખેતી તરફ વાળવા, પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક મહત્વથી માહિતગાર કરવા અને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. જેમાં નિષ્ણાતોના વક્તવ્યમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે ખેડૂતોને સ્વ-નિર્ભર બનવા અને ખેતરમાં જ બનાવી શકાય તેવા પ્રાકૃતિક, ઓર્ગેનિક અને બાયો-ફર્ટિલાઈઝરનો ઉપયોગ વધારવા પ્રેરિત કર્યા હતા.
કૃષિ નિષ્ણાત શ્રી ડી. વી. મહેતાએ નવી પેઢીને ખેતી સાથે જોડવા હાકલ કરતા જણાવ્યું હતું કે, “આજના સમયમાં નવી પેઢી ખેતીથી વિમુખ થઈ રહી છે. ખેતીને માત્ર પરંપરાગત ધંધો માનવાને બદલે તેને એક કાર્યક્ષેત્ર અને દરેક ખેતરને એક ‘મેન્યુફેક્ચરિંગ યુનિટ’ ગણવું જોઈએ. આ ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત માનવબળની તાતી જરૂરિયાત છે.”
ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ રાસાયણિક ખેતીના જોખમો વિશે જણાવતાં કહ્યું કે, “રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અનિયંત્રિત ઉપયોગને કારણે ખેતપેદાશો અસ્વસ્થ બની રહી છે અને ખેતી ખર્ચમાં વધારો થતાં તે હવે ખેડૂતો માટે ખોટનો ધંધો સાબિત થઈ રહી છે.”
અગ્રણી શ્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ ‘ગૌ-આધારિત ખેતી અને ઈકોનોમી’ પર ભાર મૂકતાં ગૌ-મૂત્ર અને લીમડાના અર્ક જેવા કુદરતી સંસાધનોના ઉપયોગથી ઉત્તમ ખાતર બનાવીને તેનો મહત્તમ ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
મિશન ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (IAS) એ જણાવ્યું હતું કે, “G.S.B.T.M.ની પહેલનો ઉદ્દેશ્ય રાજ્યમાં એક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બાયોટેક ઇકોસિસ્ટમ બનાવવાનો છે. મિશન દ્વારા ચલાવવામાં આવતા ‘પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ – નેટવર્ક રિસર્ચ પ્રોગ્રામ’ અંતર્ગત સંશોધનોમાં સાબિત થયું છે કે, પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક અભિગમ આધારિત છે અને જીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓનો ઉપયોગ ખેતી માટે હિતાવહ છે.”
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં કૃષિ સંસ્કારોનું સિંચન થાય, તે માટે ક્વિઝ, પોસ્ટર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કન્યા છાત્રાલય (કાલાવડ)ના એમ.ડી. શ્રી જમનભાઈ પટેલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન શ્રી ભરતભાઈ તંતી, ગાર્ડી વિદ્યાપીઠના ડિરેક્ટર શ્રી જય મહેતા તેમજ ગાર્ડી કોલેજના લર્નિંગ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી.શ્રી બ્રીજમોહન યાજ્ઞીક ઉપસ્થિત રહ્યા હતા, તેમ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન એજન્સીની યાદીમાં જણાવાયું છે.






