Rajkot: ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં ઓગસ્ટ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
તા.૧૯/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અટલ સરોવર, એઈમ્સ કનેક્ટિવિટી, પી.ડી.યુ.કોલેજમા કેન્ટીન, આજી રીવરફ્રન્ટ, લોકમેળો, સાંઢિયા પુલ, સ્માર્ટ સિટી કન્વેન્શન સેન્ટર, ક્ષય કેન્દ્ર વગેરેના પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીનો આદેશ
Rajkot: રાજકોટ જિલ્લાની ઓગસ્ટ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા અને ડો. મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.
અટલ સરોવર ખાતે વિવિધ રાઈડઝ શરૂ કરવા, એઈમ્સ હોસ્પિટલ સુધી જવા માટેની કનેક્ટિવિટી વધારવા, પી.ડી.યુ.કોલેજમાં કેન્ટીન શરૂ કરવા, આજી રીવરફ્રન્ટની કામગીરી આગળ વધારવા, લોકમેળાનું યોગ્ય બંદોબસ્ત સાથે આયોજન કરવા, સાંઢિયા પુલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનુ આયોજન ગોઠવવા, સ્માર્ટ સિટી કન્વેન્શન સેન્ટરની પી.પી.પી. ધોરણે રચના કરવા, ક્ષય કેન્દ્રના મેડિકલ સાધનોની જરૂરિયાત મુજબ જાળવણી કરવા વગેરેના પ્રશ્નો અંગે આ બેઠકમાં રજુઆત કરાઇ હતી, જે અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.
બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. સ્થાનિક તથા ગ્રામ્ય જળાશયોનુ સર્વેક્ષણ કરી તાત્કાલિક મરામત કરવા, સ્પેશિયલ હોમ ફોર બોઇઝની રીવાઈઝડ મંજૂરી, “એક પેડ, માં કે નામ” યોજનાનો વ્યાપ વધારવા, સરકારી આવાસોની સંખ્યા વધારવા અને હયાત આવાસોની મરામત કરાવવા, કરૂણા એમ્બ્યુલન્સ અને ૧૮૧ વાનની સંખ્યા વધારવા, ૧૫૦ ફુટ રીંગ રોડ પરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા કુવા પર ફેન્સીંગ કરાવવા સહિતની બાબતો પર આ બેઠકમાં વિશેષ ચર્ચા-વિચારણા કરાઈ હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી જયપાલ સિંહ રાઠોડ, ડી.સી.પી. શ્રી સજ્જનસિંહ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારીશ્રીઓ શ્રી નિશા ચૌધરી, શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી જયસુખ લીખીયા, શ્રી રાહુલ ગમારા, શ્રી ગ્રીષ્મા રાઠવા, શ્રી ચાંદની પરમાર, રૂડાના ચેરમેન શ્રી મિયાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઈલાબેન ગોહિલ, કાર્યપાલક ઇજનેર શ્રી કે.એન.ઝાલા, પી.ડી.યુ. હોસ્પિટલના ડીન ડો.મોનાલી માંકડીયા, પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણી, આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલ, ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તીબેન પટેલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામકશ્રી જે.એ.બારોટ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કેતન ખપેડ સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા