
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પંચાયતના 322 કર્મચારીઓની જિલ્લાફેર બદલીમાં કચ્છના 22 : શિક્ષણ જગતમાં પણ રાજીનામાનો મેળો !
મુંદરા,તા.5: કચ્છ જિલ્લાના વહીવટી અને શૈક્ષણિક માળખાને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક આંચકા મળી રહ્યા છે. આજે પંચાયત વિભાગ દ્વારા જાહેર કરાયેલી 322 કર્મચારીઓની આંતર જિલ્લા બદલીમાં કચ્છમાંથી 22 કર્મચારીઓને ‘વતન વાપસી’ના પરવાના આપી દેવાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સરેરાશ 10 બદલીઓ સામે કચ્છમાં 22ની બદલી એ આપણી ‘રાજકીય વગ’ના લીરેલીરા ઉડાડી રહી છે.
શિક્ષણ વિભાગમાં ‘રાજીનામાનો મેળો’: ૩ લાખ ભરો અને કચ્છ છોડો!
હજુ તો ‘સ્પેશિયલ કચ્છ ભરતી’ અંતર્ગત ‘જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ’ની શરતે આવેલા શિક્ષકોની શાહી સુકાઈ નથી ત્યાં તો મોટો ધડાકો થયો છે. જે શિક્ષકો કચ્છના બાળકોનું ભવિષ્ય સુધારવા આવ્યા હતા તેઓ ૩ મહિનાની નોકરી બાદ ૩ લાખ રૂપિયાનું બોન્ડ ભરીને રાજીનામાં આપી ભાગી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૦ જેટલા શિક્ષકોએ ‘કચ્છમાં રહેવા કરતાં ૩ લાખ ભરવા સારા’ એવું વિચારીને રાજીનામા ધરી દીધા છે. આ સ્થિતિ કચ્છના શિક્ષણ જગત માટે અત્યંત ચિંતાજનક અને શરમજનક છે.
નેતાઓનો ‘આભાર’ માનતું કચ્છ: 22 કર્મચારીઓ વિદાય, સામે મળ્યા માત્ર 2!
પંચાયત વિભાગના આજના આદેશ મુજબ 10 તલાટી કમ મંત્રી, 8 ફીમેલ હેલ્થ વર્કર, 2 લેબ ટેકનિશિયન, 1 ગ્રામ સેવક અને 1 ક્લાર્ક કચ્છને રામ-રામ કરી ગયા છે. સામે માત્ર 2 લેબ ટેકનિશિયન કચ્છમાં આવ્યા છે એટલે કે ચોખ્ખી 20 કર્મચારીઓની ઘટ!
કચ્છના આદરણીય ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓનો આ બાબતે વિશેષ આભાર માનવો ઘટે! એક તરફ શિક્ષણમાં શિક્ષકો 3-3 લાખ આપીને ભાગી રહ્યા છે અને બીજી તરફ પંચાયત વિભાગ લહાણીની જેમ બદલીના ઓર્ડર કરી રહ્યું છે. શું આપણા જનપ્રતિનિધિઓ માત્ર મુકપ્રેક્ષક બનીને કચ્છને ખાલી થતું જોવા માંગે છે?
કચ્છ: સરકારી નોકરીનું ‘પ્રવેશદ્વાર’?
આ આંકડાઓ સાબિત કરે છે કે બહારના ઉમેદવારો માટે કચ્છ જિલ્લો માત્ર સરકારી નોકરીમાં ઘૂસવાનું ‘પ્રવેશદ્વાર’ છે. અહીં નોકરી મેળવો, થોડો સમય તાલીમ લો અને તક મળતા જ વતનના ભેગા થઈ જાવ. ‘નિમણૂક ત્યાં નિવૃત્તિ’ જેવી કડક શરતો પણ જ્યારે શિક્ષકોને રોકી શકતી ન હોય ત્યારે કચ્છના હિતની વાતો કરનારા નેતાઓએ આત્મમંથન કરવાની જરૂર છે. વહીવટી તંત્રને પંગુ બનાવતા આ નિર્ણયો અને નેતાઓની મૌન સંમતિ કચ્છના ભવિષ્ય સાથે મોટો ખિલવાડ છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આંતર_જિલ્લા_ફેર_બદલી_પંચાયત_વર્ગ_૩_અને_૪_તા_05_01_2026
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




