પેટા:-” હર ઘર નળ કનેક્શન તેમજ સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખનાં ગામમાં જ સાવ નિષ્ફળ નિવડતા અન્ય ગામોની વાત જ શુ કરવી.. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન 125 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતો હોય છે.તેમ છતાય અહીંયા આદિવાસી લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે.જેમાં ખુદ વઘઇ તાલુકા પંચાયત પ્રમુખનાં જ ગામમાં પાણી નથી.ત્યારે આસપાસના ગામોની હાલત કેવી હશે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતનાં બેજવાબદાર ભર્યા વલણનાં પગલે લોકોમાં ચૂંટાયેલા નેતા અને સરકાર પ્રત્યે ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં લવાર્યા, ભેંડમાળ, આમસરવળણ સહિત વાઘમાળ જેવા ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,આ ગામોમાં નળસે જળ યોજના મુજબ પાઇપલાઈન નાખવામાં આવી છે,પરંતુ આ યોજના ક્યાંક તો અધૂરી છે અથવા તો ભાગબટાયનાં પગલે કોઈના ઘર સુધી પાણી પહોંચતુ નથી.આ ગામોમાં પાણી પૂરવઠા હસ્તકના વાસમો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી.જેથી આ વિસ્તારમાં પાણીની યોજનાઓ ઠગારી નીવડી છે.આ વિસ્તારનાં લોકોને ગામની બહાર જંગલમાં આવેલ કૂવામાં પાણી લેવા માટે જવુ પડે છે.આ ગામોની મહિલાઓએ ઘરનાં કામ છોડીને જંગલમાં વસતા હિંસક પ્રાણીઓનાં ભય વચ્ચે કૂવામાં પાણી લેવા માટે જવુ પડે છે.અને કુવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે.જેમાં પૈસાદાર માણસો પૈસા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવે છે.જ્યારે ગરીબ લોકો છેલ્લા ઘણા વર્ષોથી આજ સ્થિતિમાં જીવી રહ્યા છે.આ એવા ગામો છે જયાંથી લોકોએ ભાજપ પક્ષમાંથી તાલુકા સદસ્ય તરીકે ચંદરભાઈ ગાવીતને બહુમતીથી ચૂંટીને લાવ્યા.અને ભાજપાએ ચંદરભાઈ ગાવીતને વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખનું કમાન પણ સોંપ્યુ.ત્યારે લોકોને આશા જાગી કે હવે અમારી સમસ્યા દૂર થશે.પરંતુ ચંદરભાઈ ગાવીત તાલુકા પંચાયતનાં પ્રમુખ બન્યા બાદ તેઓનાં વિસ્તારનાં ગામોની સમસ્યા ભૂલી ગયા હોય એવુ લાગે છે.લવાર્યા ગામ નેતાનું ગામ તરીકે ઓળખાય છે.અને આજ ગામની મહિલાઓએ આજે પાણી માટે વલખાં મારવા પડે છે જેને લઈને પ્રમુખ ચંદરભાઈ ગાવીત સહીત વઘઇ તાલુકા પંચાયત પ્રત્યે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.જ્યારે વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદરભાઈ ગાવીતનું કહેવુ છે કે પાણીની સમસ્યા માટે કામ ચાલુ છે. પાણીની સમસ્યા ટૂંક સમયમાં હલ થઈ જશે.ત્યારે તાલુકા પંચાયતનાં પ્રમુખનાં ગામ સહીતનાં વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થશે કે પછી વર્ષોથી ચાલી આવેલ સ્થિતિ જ યથાવત રહેશે તે આવનાર સમય જ બતાવશે..