AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મેઘરાજાએ પોરો ખાતા જનજીવને હાશકારો અનુભવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા અવરોધાયેલા 18 માર્ગોમાંથી 11યાતાયાત માટે શરૂ થયા.જ્યારે રવિવારે રાત્રીનાં અરસામાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે હજુ પણ 7 જેટલા માર્ગો બંધ..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિ અને રવિવારે બારેમેઘ ખાંગા થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બે દિવસ સુધી અનરાધાર વરસાદ ખાબકતા જિલ્લાની લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા,ગીરા અને ધોધડ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે નદીઓ,કોતરો,અને વહેળાઓ ગાંડાતુર બનતા ઠેરઠેર પાણી ભરાયા હતા.તેમજ ધસમસતો પુર ડાંગી ખેડૂતોનાં ડાંગરનાં ખેતરો ઘસડી લઈ જતા જંગી નુકસાન થયુ હતુ.છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લાની નદીઓઓમાં ઘોડાપુર આવતા 11થી વધુ નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 18 જેટલા માર્ગો પ્રભાવિત થતા 40 જેટલા ગામો જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે દિવસ દરમ્યાન  તથા રાત્રીનાં અરસામાં દેમાર વરસાદ પડતા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અમુક જગ્યાએ થોડા અંશે ઝાડી ઝાંખરા સાથે માટીનો મલબો ધસી પડ્યો હતો.જે મલબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આજરોજ હટાવી દીધો હતો.જેમાં સોમવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદનું જોર ધીમુ પડતા જનજીવને હાશકારો અનુભવ્યો છે.જેમાં સોમવારે સાંજના 5 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના અવરોધાયેલા 18 જેટલા આંતરીક માર્ગો પૈકી હવે માત્ર 7 જેટલા ગ્રામ્ય માર્ગો જ, થોડા અંશે વરસાદી પાણીને લઈને બંધ રહ્યા છે. જેમાં વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-1, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, અને (7) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.ડાંગ જિલ્લામાં સોમવારે સવારનાં 8 વાગ્યાની સ્થિતિએ જે 18 જેટલાં રોડ, કોઝ વે ઓવર ટોપિંગને કારણે બંધ થયા હતા, તેમાંથી 11 રસ્તાઓ યાતાયાત માટે પુન:શરૂ થવા પામ્યા છે.આ 11 માર્ગો પુન શરૂ થતાં ડાંગ જિલ્લાનું સામાન્ય જનજીવન,પશુપાલન,ડેરી વ્યવસાય, વિદ્યાર્થીવર્ગ,નોકરિયાત વર્ગ ધબકતુ થયુ છે.જેમાં હજુ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અવરોધાયેલા 07 જેટલા માર્ગ પરથી અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.સોમવારે ડાંગ જિલ્લામાં મેઘ મહેર ધીમો પડતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ રમણીય બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 74 મિમી અર્થાત 2.96 ઈંચ,વઘઇ પંથકમાં 77 મિમી અર્થાત 3.08 ઈંચ,આહવા પંથકમાં 79 મિમી અર્થાત 3.16 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 112 મિમી અર્થાત 4.48 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Back to top button
error: Content is protected !!