
ઝઘડિયા તાલુકાના પાણેથા સબ સ્ટેશન હેઠળ આવતા ગામોમાં છેલ્લા ૧૫ દિવસથી સરેરાશ ૫ થી ૮ કલાક વીજળી ડૂલ રહે છે,
રાજપારડી વીજ કચેરી ના તાબા હેઠળ આવતા પાણેથા સબ સ્ટેશન વિસ્તારના ગામોમાં સમયાંતરે સમારકામ કરવામાં આવતું નહીં હોવાનું સ્થાનિકોની રજૂઆત
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેના રજીસ્ટર ગ્રાહકોને વીજ સેવા આપવામાં મહદઅંશે ઉણી ઉતરી છે, ખાસ કરીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકામાં વીજ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજ પ્રત્યે સંપૂર્ણ બેદરકાર રહે છે, અને વિજ સેવા આપવામાં લાલીયાવાડી ચલાવે છે, ઝઘડિયા તાલુકાના રાજપારડી વીજ કચેરીના તાબા હેઠળ આવતા પાણેથા સબ સ્ટેશન વિસ્તારના ગામોમાં છેલ્લા ૧૫ દિવસથી રોજિંદા પાંચથી આઠ કલાક વીજળી ડૂલ રહે છે, આ બાબતે પાણેથા ગામના આગેવાન હિતેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વીજ કંપની દ્વારા પ્રિમોનસૂન કામગીરી પણ કરવામાં આવી નથી અને સમયાંતરે જે સમારકામ જ્યોતિ ગ્રામ યોજના હેઠળ આવતા ગામોમાં કરવાના હોય છે તે કરવામાં આવતા નથી, તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસથી પાણેથા સબ સ્ટેશન હેઠળ આવતા પાણેથા, અશા, ઇન્દોર, નાના વાસણા, મોટા વાસણા, વેલુગામ, જીતપુરા, ઢુંઢા જેવા ગામોમાં સરેરાશ રોજિંદી ૫ થી ૮ કલાક સુધી વીજળી ડૂલ રહે છે અને ક્યારેય સમારકામ કરી વિજ પુરવઠો યથાવત થાય તે કોઈપણ પ્રકારનું નક્કી રહેતું નથી, જેના કારણે ગ્રામીણ જનતાને વીજળી વગર ભારે હાલાકી નો સામનો કરવો પડે છે, ગ્રામજનોની માંગ છે કે રાજપારડી વીજ કચેરી હેઠળ આવતા પાણેથા સબ સ્ટેશન દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી ચોમાસા દરમિયાન વીજ પ્રવાહ ખોટકાવવા ની સમસ્યા રહે નહીં.
ઈરફાન ખત્રી
રાજપારડી



