GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કુવાડવામાં વન કવચનું લોકાર્પણ

તા.૨૯/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વન કવચમાં એક હેક્ટર જમીનમાં ૧૦ હજાર વૃક્ષો ઉછેરાયાં

Rajkot: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે આજે રાજકોટના કુવાડવામાં ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી મુળુભાઈ બેરા સવારે કુવાડવા પધાર્યા બાદ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી તેમજ આશ્રમના મહંત યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજની ઉપસ્થિતિમાં વન કવચને ખુલ્લું મૂક્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ વન કવચની તકતીનું અનાવરણ કર્યું હતું. બાદમાં મંત્રીશ્રીએ વનકવચ વિસ્તારમાં ફરીને વિવિધ વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા, “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગુરુદત્ત ગિરનારી આશ્રમ ખાતે આશરે એક હેક્ટર જમીનમાં, મિયાવાકી પદ્ધતિથી ૧૦ હજાર જેટલા ઝાડ ઉછેરવામાં આવ્યા છે.

રાજકોટના નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલની રાહબરીમાં છેલ્લા સાત-આઠ માસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આજે લોકાર્પિત થયેલા વન કવચમાં પીપળો, લીમડો, ગરમાળો, હરમો, પારસ પીપળો, નાગોડ, શેતુર, પારિજાત સહિતના વિવિધ ૫૬ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વન કવચના લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ નજીકમાં નિર્માણ પામેલા વડ વનની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.

આ અવસરે કુવાડવા ગામના સરપંચ શ્રી સંજયભાઈ પીપળીયા, અગ્રણી શ્રી પ્રકાશભાઈ કાકડીયા, શ્રી જાદવભાઈ પટેલ, એ.સી.એફ. શ્રી શૈલેષ કોટડિયા, કુવાડવા જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારો વગેરે સાથે જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!