કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં હાલોલ ખાતે આન,બાન અને શાનથી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
જિલ્લાના વિકાસ કામો માટે કૃષિ રાજ્ય મંત્રીએ રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત કર્યો,ટેબ્લો પ્રદર્શનમાં ખેતીવાડી વિભાગપ્રથમ,આઈ.સી.ડી.એસ દ્વિતીય અનેપોલીસ વિભાગ તૃતીય ક્રમ હાંસલ કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૧.૨૦૨૬
કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષપદે પંચમહાલ જિલ્લાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાનથી ઉજવણી હાલોલ તાલુકાની એમ.એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.કૃષિ રાજ્ય મંત્રીએ ધ્વજવંદન કરીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.કૃષિ રાજ્ય મંત્રીશ્રીએ આઝાદી માટે શહીદ થનાર વીરોને વંદન કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકસિત ભારત@ ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્ર સાથે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને સુશાસન સપ્તાહ દરમિયાન રાજ્યમાં રૂ ૫ હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે,તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ માટેની મક્કમ પ્રતિબદ્ધતા કૃષિ ક્ષેત્રે સરકારની સિદ્ધિઓ વર્ણવતા મંત્રીએ જણાવ્યું હતું કે, ખરીફ સીઝનમાં ખેડૂતો પાસેથી ૧૨ હજાર કરોડથી વધુના પાકની ખરીદી કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૨૦-૨૧ થી અત્યાર સુધી દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂ.૮૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧ લાખથી વધુ ખેડૂતોને રૂ.૫૫ કરોડથી વધુની આર્થીક સહાયનો સમાવેશ થાય છે. વધુમાં, પીએમ કિસાન સન્માન યોજના હેઠળ રૂ.૬૬ લાખથી વધુ ખેડૂત પરિવારોને અંદાજે રૂ.૨૨ હજાર કરોડની ચૂકવણી કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ૬૩ હજારથી વધુ ખેડૂતોનો સર્વે કરી રૂ.૭૪ કરોડથી વધુની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે.વધુમાં સાંસ્કૃતિક વારસો અને વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરતાં મંત્રીએ પોતાના સંબોધનમાં પાવાગઢ શક્તિપીઠના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છસ્સો વર્ષ બાદ મંદિર પર ધજા ચડાવી શક્તિપીઠનું ગૌરવ વધાર્યું છે.વધુમાં મંત્રીએ પંચમહોત્સવનું સફળ આયોજન કરવા બદલ તથા સરકારી યોજનાઓના લાભ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા બદલ જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ગ્રામવિકાસ એજન્સી,ખેતીવાડી,વન વિભાગ, વાહનવ્યવહાર વિભાગ,આઈ.સી.ડી.એસ,આરોગ્ય વિભાગ,શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ દ્વારા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.જેમાંથી “પ્રાકૃતિક કૃષિ”થીમ આધારિત ખેતીવાડી વિભાગના ટેબલોને પ્રથમ ક્રમે,આઇ.સી.ડી.એસ વિભાગના ટેબલોને બીજા ક્રમે,તથા પોલીસ વિભાગ દ્વારા વિવિધ યોજનાકીય માહિતી પ્રસ્તુતિ કરતા ટેબલોને તૃતીય ક્રમે પસંદ કરીને મંત્રી તથા મહાનુભાવોના વરદહસ્તે સંલગ્ન વિભાગના અધિકારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.કૃષિ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે જિલ્લાના વિકાસના કામો અર્થે રૂ.૨૫ લાખનો ચેક કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીને એનાયત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે, જાહેરક્ષેત્રે,સેવા,શિક્ષણ તથા યોગ વગેરે ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને કૃષિ મંત્રીશ્રીએ સહિતના મહાનુભાવોએ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રજાસત્તાક પર્વના અવસરે યોગ,દેશભક્તિ ગીત,ગરબો,સેલ્ફ ડિફેન્સ, મલ્ટી સ્ટેટ નૃત્ય,ટીમલી,શૌર્યગીત વગેરે થીમ આધારિત નવ જેટલી શાળાઓના વિધાર્થીઓ તથા વિધાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરીને વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ,પ્રજાસત્તાક પર્વના અવસરના અંતે મંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા કોલેજના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ,જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,જિલ્લા કલેક્ટર અજય દહિયા,જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ,પોલીસ અધિક્ષક ડૉ .હરેશ દુધાત,નિવાસી અધિક કલેકટર જે.જે પટેલ,હાલોલ પ્રાંત અધિકારી ઇપલ્લાપલ્લી સુષ્મિથા,હાલોલ નગર પાલિકાના પ્રમુખ સહિતના અગ્રણી પદાધિકારીઓ,જિલ્લા વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, વિવિધ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.













