
લુણાવાડા ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ‘ડે-કેર સેન્ટર’નો શુભારંભ: બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલની સરાહનીય પહેલ
અમીન કોઠારી મહીસાગર
દાહોદ-પંચમહાલ-મહિસાગર જિલ્લા બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ દ્વારા સરાહનીય પહેલના ભાગરૂપે મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે બીએસએનએલ ઓફિસ પાસે ખાસ જરૂરિયાત ધરાવતા મનોદિવ્યાંગ બાળકો માટે ડે-કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડો. કિર્તિભાઈ પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા, જાણીતા તબીબ ડો. નગેન્દ્રનાથ નાગર, સંસ્થાના મંત્રી યુસૂફીભાઈ કાપડિયા સંસ્થાના અગ્રણીઓ, કર્મચારીઓ, દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ડે-કેર સેન્ટર વિશેષ કરીને મનો દિવ્યાંગતા ધરાવતા બાળકો, સેરેબલ પાલ્સીથી પીડાતા બાળકો અને ઓટીઝમ ધરાવતા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સેન્ટર ખાતે બાળકોને નિષ્ણાતો દ્વારા યોગ્ય તાલીમ, શિક્ષણ અને પુનર્વસનની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સમાજમાં સ્વનિર્ભર બની શકે. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોની સેવામાં સતત કાર્યરત એવા ડો. નગેન્દ્રનાથ નાગરના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ તેમની સેવાકીય ભાવનાને બિરદાવી હતી.
સંસ્થાના મંત્રી યુસૂફીભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે, “સમાજના દરેક વર્ગના સહકાર અને આશીર્વાદથી શરૂ થયેલો આ પ્રયાસ અનેક પરિવારો માટે આશાનું કિરણ બનશે ત્યારે વિસ્તારના જરૂરિયાતમંદ મનોદિવ્યાંગ બાળકોના પરિવારોએ તેનો વધુમાં વધુ લાભ લેવા અપીલ છે. મહાનુભાવોએ આ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક મહત્વનું કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.



