નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ. 44.65 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી, નવસારીના સાંસદ અને કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી ના હસ્તે કાર્યક્રમ દરમિયાન કુલ ₹44.65 કરોડના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રકલ્પોની ભેટ નવસારીની જનતાને ધરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ₹27.48 કરોડના રોડના કામો, કાછિયાવાડી ખાતેના માઈનોર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ફાયર ટેન્ડર, ૨ જેસીબી લોડર, ૨ બુમ ફાયર, ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ જેવા આપાતકાલીન સમયના જરૂરી વાહનોને લીલી ઝંડી આપી નવસારીની જનતાને અર્પણ કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં નવસારીના વિકાસની ગતિ વિશે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે: “નવસારી મહાનગરપાલિકામાં વિકાસની મહેચ્છા, લોકોની અપેક્ષાઓ અને અધિકારી-કર્મચારીઓના હકારાત્મક અભિગમને કારણે અનેક વિકાસના કામો આકાર પામ્યા છે. નવસારી એ રાજ્યની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં વિકાસના કામોની ગુણવત્તા અને ઝડપમાં સૌથી આગળ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની યોજનાઓનો લાભ નવસારીને મળી રહ્યો છે. ખાસ કરીને આગામી દિવસોમાં આકાર પામનાર ‘પીએમ મિત્રા પાર્ક’ નવસારી જિલ્લાના વિકાસમાં મોટી હરણફાળ સાબિત થશે. નવસારીના નાગરિકોનું ભવિષ્ય અને આ વિકાસ સુરક્ષિત હાથોમાં છે.”
આ ગરિમામય સમારોહમાં નવસારી જિલ્લા કલેક્ટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલતા, મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ અન્ય અધિકારીઓ તેમજ નવસારી શહેર અને જિલ્લાની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, સંગઠન પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નગરજનોએ શહેરના વિકાસની આ નવી ક્ષિતિજોને હર્ષભેર વધાવી લીધી હતી.




