ગણદેવીના આઠ ગામો માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગના પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાત મુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગણદેવી તાલુકાના મોહનપુર અને અંચેલી ગામોના તળાવોને પાઈપલાઈન દ્વારા ઈન્ટરલિંક કરી, ત્યાં ૩ રિચાર્જ પીટ (RP) અને ૪ પરમીએબલ રીએક્ટિવ બેરિયર કમ રિચાર્જ પીટ (PRB cum RP) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વિતીય તબક્કામાં કોલવા, કછોલી, ગંધોર, ધમડાછા, સરીબુજરંગ અને વાસણ એમ કુલ ૮ ગામોને આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૨૧ રિચાર્જ પીટ અને ૧૭ PRB કમ RP સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે, જેના દ્વારા વરસાદી પાણી તેમજ નહેરો અને ચેકડેમોના વધારાના પાણીને ફિલ્ટર કરી સીધું જમીનમાં ઉતારવામાં આવશે.
આ આધુનિક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં ભૂગર્ભ જળમાં મીઠું પાણી ઉમેરાતા સેલીનીટી (ખારાશ)માં નોંધપાત્ર ઘટાડો થશે અને TDS લેવલ પણ નીચું આવશે. આ ઉપરાંત, આ તમામ ગામોના હયાત બોરવેલની સફાઈ, કુવાઓને પુનઃજીવિત કરવા અને તળાવોના ડિસિલ્ટિંગ (કાંપ કાઢવાની) કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જળ સંચયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં કાયમી રાહત મળશે. નવસારી જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસથી દરિયાઈ પાણીની ખારાશ ધરાવતા આ ગામોમાં પીવાના પાણીની ગુણવતા વધશે, ખેડૂતોના ખેતરમાં બોરવેલ અને કુવાઓ રિચાર્જ થશે, તળાવના કુદરતી જળ સંચયમાં નોંધપાત્ર વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિકસિત ભારતના સ્વપ્નને સાકારિત કરવાના ભાગરૂપે આવા અંતરિયાળ ગામોના વિકાસ થકી આપણા દેશની કાયાપલટ કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના કલેક્ટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલત્તા તેમજ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



