અમદાવાદના ગોતા વિસ્તારમાં 3.84 કરોડના ખર્ચે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરનો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો હતો. અંદાજીત રૂ. 3.84 કરોડના ખર્ચે નિર્મિત આ અર્બન હેલ્થ સેન્ટર ગોતા વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
આ અર્બન હેલ્થ સેન્ટરમાં જનરલ મેડિકલ ઓપીડી સેવાઓ સાથે આયુષ્માન ભારત અંતર્ગત PMJAY કાર્ડ, આભા કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના તથા અન્ય આરોગ્યલક્ષી યોજનાઓની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વિશેષતા રૂપે, આ સેન્ટરમાં સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને અન્ય સ્ત્રીરોગોની સારવાર તથા જરૂરી રેફરલ સેવા આપવામાં આવશે. સાથે જ બાળરોગ નિષ્ણાત દ્વારા નવજાત શિશુઓ અને બાળકોની તપાસ, નિદાન અને સારવાર ઉપલબ્ધ રહેશે. રસીકરણ સેવાઓ, પ્રસૂતિ સુવિધાઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ અહીં અમલી બનશે.
આ અર્બન હેલ્થ સેન્ટરમાં ચેપી રોગોનું વહેલું નિદાન અને સારવાર, બિનચેપી રોગો જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર માટે સ્ક્રીનિંગ તથા જરૂરી રેફરલ સેવા મળશે. સ્લમ અને નોન-સ્લમ વિસ્તારોમાં મમતા દિવસ તથા માતૃ-બાળ કલ્યાણ સેવાઓ નિયમિત રીતે યોજાશે.
સેન્ટરમાં લેબોરેટરી ટેસ્ટ સુવિધાઓ, ફાર્મસી તથા જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. માનસિક રોગોની તપાસ, કાઉન્સેલિંગ સેવાઓ, વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન અને વ્યસનમુક્તિ કેન્દ્રો સાથેની જોડાણ સેવાઓ પણ અહીં ઉપલબ્ધ થશે. તદુપરાંત જન્મ-મરણ અને લગ્ન નોંધણી સેવાઓ તથા યોગ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્યને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ પણ સેન્ટરમાં હાથ ધરાશે. ટેલીમેડિસિન મારફતે નિષ્ણાત ડોક્ટરો તરફથી માર્ગદર્શન મેળવવાની સુવિધા પણ નાગરિકોને મળશે.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, સાંસદ નરહરિ અમીન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોતા વિસ્તારના નાગરિકોને આ અર્બન હેલ્થ સેન્ટરથી પ્રાથમિક આરોગ્યસેવાઓ સહેલાઇથી પ્રાપ્ત થશે, જેના કારણે લોકો મોટી હોસ્પિટલોમાં દોડી જવાના બદલે પોતાના વિસ્તારની અંદર જ વિવિધ સારવાર અને આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લઈ શકશે. શહેરના ઉપનગરોમાં આવા હેલ્થ સેન્ટરો ઉભા થવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.



