GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: વીંછિયા તાલુકાના ભડલી ગામ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વીંછિયા પંથક વિકસિત બને, તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે:  મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot: રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ભડલી ગામ ખાતે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જસદણ તાલુકા અને વીંછિયા તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક દીઠ સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ભડલીમાં આયોજિત કાર્યક્રમથી બંધાળી, સોમલપર, શનાળા, વનાળા, ભડલી, ગઢાળા, કાંસલોલીયા, દેવધરી, બેલડા, સરતાન, સોમપીપળીયા, મોઢુકા, પાટીયાળી અને આંકડીયા એમ ૧૪ ગામોના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળશે.

આ તકે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામજનોને વિવિધ સરકારી કચેરીઓએ જવું ન પડે અને એક જ સ્થળે તમામ સેવાઓ મળી રહે, તે હેતુસર રાજ્ય સરકાર સેવાસેતુ કાર્યક્રમ થકી ઘરઆંગણે યોજનાકીય લાભ આપી રહી છે. વીંછિયા પંથકની વાત કરીએ તો છેવાડાના માનવીને ગંગાસ્વરૂપા યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના જેવી યોજનાઓના લાભો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક ગામોમાં નવા પંચાયત ઘર અને નવી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને વિચરતી જાતિને મોટી સંખ્યામાં ગામતળના પ્લોટ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, મકાન બાંધકામની સહાય પણ આપવામાં આવી છે. શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઈનું પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અનેક વિકાસ કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે અને અનેક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. આમ, આગામી દિવસોમાં વીંછિયા પંથક વિકસિત વિસ્તાર બને, તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ તકે મંત્રીશ્રીનું ઢોલ વગાડીને પરંપરાગત ઢબે સ્વાગત અને શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરાયું હતું, તેમજ પ્રાંત અધિકારી શ્રી આર. આર. ખાંભરાએ સ્વાગત પ્રવચન, અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાકરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતાબેન ગઢાદરાએ આભારવિધિ કરી હતી. મંત્રીશ્રીએ ગામલોકોને મળીને તેમની રજૂઆત સાંભળી હતી અને તેને અનુલક્ષીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

આ કાર્યક્રમમાં સરપંચ શ્રી વલ્લભભાઈ બારૈયા, મામલતદાર શ્રી એચ.ડી. બારોટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. જી. પરમાર, નાયબ મામલતદાર શ્રી ડી. જી. આચાર્ય, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. સી. ડામોર, પોલીસ અધિકારી શ્રી એચ.આર.ગોહિલ સહિત સરપંચો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!