BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી અલીપુરા ચાર રસ્તા સર્કલ પાસે ધારદાર એંગલથી વાહનોના ટાયર ફૂટવાના બનાવો

બોડેલીના હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા સર્કલ પાસેના મુખ્ય માર્ગ ઉપર અગાઉ સર્કલને પહોળું કરવા માટે લગાવવામાં આવેલા રેલવેના પાટા જેવા દેખાતા ધારદાર એંગલો હાલમાં પણ બહાર નીકળેલા હોવાથી ઓવરલોડ તથા ભારદાર વાહનોના ટાયરો ફૂટવાના બનાવો સામે આવી રહ્યા છે.માત્ર બે દિવસમાં બે મોટી ગાડીઓના ટાયરો ફૂટવાના બનાવો બન્યા છે. ગઈકાલે એક ટાયર ફાટ્યો હતો જ્યારે આજે બપોરે પોણા પાંચ વાગ્યાના સમયે હાલોલ તરફથી ડભોઇ તરફ જઈ રહેલી રેતી ભરેલી હાઈવા ટ્રકના ટાયરમાં આ ધારદાર એંગલ ઘૂસી જતા તેનો ટાયર ફાટી ગયો હતો.ટ્રકના ડ્રાઈવર દિનેશભાઈ (રહે. ઢીકવા)એ જણાવ્યું કે મોટી ગાડીનો એક ટાયર આશરે રૂ. 23,500ની કિંમતનો આવે છે. એક ટાયર ફૂટે એટલે સીધું એટલું મોટું નુકસાન ગાડી માલિકને સહન કરવું પડે છે.જાણવા મળ્યા મુજબ અલીપુરા ચાર રસ્તા સર્કલને ટ્રાફિકના ભારણને કારણે અવારનવાર નાનું-મોટું કરવામાં આવતું રહે છે. થોડા સમય પહેલાં સર્કલને મોટું કરવામાં આવ્યું ત્યારે તેને પહોળું કરવા માટે રેલવેના પાટા જેવા એંગલો લગાવવામાં આવ્યા હતા. બાદમાં સર્કલ ફરી સાંકડું કરાતા આ એંગલો કાપી કાઢવામાં આવ્યા હતા. જોકે તેમાંની બે એંગલો હજુ પણ દોઢથી બે ઇંચ જેટલી ઊંચી રહી જતાં તે ભારદાર વાહનોના ટાયરમાં વાગી રહી છે.આ ધારદાર એંગલને કારણે ટાયર ફાટતા ધડાકાનો અવાજ થાય છે, જેના કારણે અકસ્માતની પણ ભીતિ રહે છે. આજના બનાવ દરમિયાન ટ્રકની પાછળ મોટરસાયકલ લઈને જઈ રહેલા બુમડી ગામના માનસિંગભાઈ ધડાકાનો અવાજ સાંભળી ચમકી ગયા હતા અને તેમનું બેલેન્સ બગડતાં મોટરસાયકલ પડતાં પડતાં બચી ગયું હતું. તેમની આંખોમાં ધૂળ પણ ભરાઈ ગઈ હતી.આ માર્ગ પર અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા બહાર નીકળેલા આ બંને ધારદાર એંગલોને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!