આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ્સમાં તેજી : રોકાણકારોનું વળતર પ્રત્યે વધતું આકર્ષણ…!!
વિદેશી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પ્રત્યે રોકાણકારોનો રસ ફરી વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, ટૂંકા ગાળામાં સ્થાનિક ભંડોળની તુલનાએ તેમના મજબૂત પ્રદર્શનને કારણે આકર્ષણ વધ્યું છે. ઓગસ્ટ મહિનામાં જ આ ફંડ્સમાં લગભગ રૂ.૫૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું, જે ઓક્ટોબર ૨૦૨૧ પછીનું સૌથી વધુ છે. સાથે જ ૨૫,૫૦૦ નવા ખાતાઓ ઉમેરાયા, જે ૧૯ મહિનામાં સૌથી મોટો વધારો છે.
જ્યારે મોટાભાગની આંતરરાષ્ટ્રીય યોજનાઓ હાલ નવા રોકાણ માટે બંધ છે અને નિયમનકારી અનિશ્ચિતતા યથાવત છે, ત્યારે પણ રોકાણકારો મજબૂત રસ બતાવી રહ્યા છે. ભારતીય ફંડ હાઉસની ઘણી યોજનાઓ મુખ્યત્વે અમેરિકન અને ચીની શેરોમાં રોકાણ કરે છે અને બંને બજારો છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર રીતે વધ્યા છે. રૂપિયાના અવમૂલ્યનને કારણે આ ફંડ્સનું પ્રદર્શન સ્થાનિક યોજનાઓ કરતાં વધુ સારું રહ્યું છે.
સ્થાનિક ઇક્વિટી ફંડ્સની તુલનામાં, આંતરરાષ્ટ્રીય ભંડોળ રોકાણકારોને ભૌગોલિક વૈવિધ્યકરણનો લાભ આપે છે. ભારતમાં ઊંચા ટેરિફનો પ્રભાવ અને રૂપિયાની નબળાઈ વચ્ચે પણ વૈશ્વિક રોકાણે મજબૂત વળતર આપ્યું છે. તેમ છતાં નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઘણાં વૈશ્વિક બજારો હાલ તેમના લાંબા ગાળાના સરેરાશ કરતાં ઊંચા મૂલ્યાંકન પર છે, તેથી રોકાણ લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જ કરવું યોગ્ય છે.
વિદેશી રોકાણ માટે રોકાણકારો પાસે ત્રણ મુખ્ય રસ્તા છે – મ્યુચ્યુઅલ ફંડ્સ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગીફ્ટ સીટી), તેમજ વિવિધ રોકાણ પ્લેટફોર્મ્સ, જે યુએસ સહિતના વૈશ્વિક બજારોમાં સીધા ઇક્વિટી રોકાણની તક આપે છે.
ગીફ્ટ સીટી મારફતે સંચાલિત ફંડ્સમાં પણ આંતરરાષ્ટ્રીય રોકાણ ઝડપથી વધી રહ્યું છે. જૂન સુધી આ માધ્યમથી વિદેશી બજારોમાં રૂ.૧.૪૩ બિલિયનનું રોકાણ થયું, જે માર્ચના અંતે રહેલા ૮૪૨ મિલિયન ડોલર કરતાં લગભગ ૭૦% વધારે છે. એ જ રીતે, પીએમએસ સંપત્તિ એપ્રિલ–જૂન ક્વાર્ટરમાં ૨૩% વધી ૧.૪૬ બિલિયન ડોલર થઈ છે, જ્યારે માર્ચ ૨૦૨૫ના અંતે તે ૧.૧૮ બિલિયન ડોલર હતી. આ વિકલ્પોનો ઉપયોગ ખાસ કરીને એચએનઆઈ અને ફેમિલી ઓફિસો દ્વારા વધુ પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે.