Rajkot: રાજકોટમાં અગ્નિસામક સાધનોના ગેરકાયદે વેચાણ કરનાર નંદન ફાયર પ્રોટેક્શનનો જથ્થો જપ્ત કરતું ભારતીય માનક બ્યુરો
તા.૭/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ભારતીય માનક બ્યુરોની ટીમ દ્વારા BIS લાઇસન્સ વિના ISI માર્કવાળા અગ્નિ સુરક્ષા ઉપકરણોનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા નંદન ફાયર પ્રોટેક્શનમાંથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
રાજકોટ ભારતીય માનક બ્યુરોનાં અધિકારીઓએ નિયમનકારી ધોરણોનું ગંભીર ઉલ્લંઘન કરનાર નંદન ફાયર પ્રોટેક્શન ખાતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન અગ્નિસામક સાધનોના ઉત્પાદનમાં ગેરકાયદે માનક ચિન્હોનો ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતું.
જેથી અગ્નિ સુરક્ષા ઉપકરણોના ગેરકાયદેસર ઉત્પાદન માટે શોધ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ બ્રાન્ચના શ્રી સત્યેન્દ્ર કુમાર પાંડે, શ્રી રાહુલ રાજપૂત અને શ્રી શુભમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીમે મોટી માત્રામાં બિન-અનુપાલનકારી અગ્નિ સલામતી ઉત્પાદનો ઓળખી કાઢીને સીલ કર્યા હતા. તેમજ લેન્ડિંગ વાલ્વના ૪૯ યુનિટ, નોઝલ સાથે બ્રાન્ચ પાઇપના ૧૦૦ યુનિટ, ૧૭૨ થર્મોપ્લાસ્ટિક હોઝ રીલ્સને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.