
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત: મુંદરામાં દિવાળી જેવો માહોલ, વિજય સરઘસ અને આતશબાજીથી ગુંજી ઉઠ્યું શહેર
મુંદરા, તારીખ 09 માર્ચ, 2026
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારતીય તિરંગો પૂરી શાન સાથે લહેરાયો હતો. ટી-20 ક્રિકેટની ‘વિશ્વગુરુ’ ગણાતી ટીમ ઇન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 96 રને ભવ્ય વિજય મેળવી ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ વાર ચેમ્પિયન બનનારી અને ટાઇટલ જાળવી રાખનારી વિશ્વની પ્રથમ ટીમ બની છે, તેમજ યજમાન તરીકે પણ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બન્યો છે.
મેચની હાઈલાઈટ્સ:
ભારતીય ‘સૂર્ય સેના’એ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. જેમાં સંજુ સેમસને 46 દડામાં 89 રન, અભિષેક શર્માએ માત્ર 21 દડામાં 52 રન અને ઇશાન કિશને 25 દડામાં વિસ્ફોટક 54 રન ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે લાચાર જણાઈ હતી. પ્લેયર ઓફ ધ મેચ જસપિત બુમરાહે 15 રનમાં 4 વિકેટ અને અક્ષર પટેલની ચતુર બોલિંગ સામે કિવિ ટીમ 19 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગઈ હતી.
મુંદરામાં વિજય ઉત્સવ:
ભારતની આ ઐતિહાસિક જીતને વધાવવા મુંદરામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગિરનારા વાડી ખાતે ધર્મેન્દ્ર જેસરની આગેવાની હેઠળ મોટી સ્ક્રીન પર મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની દરેક ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને ન્યૂઝીલેન્ડની વિકેટ પડતા જ અહી મેળા જેવો માહોલ સર્જાતો હતો.
જીત બાદ ગિરનારા વાડીથી ભાટીયા ચકલા સુધી ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આતશબાજી અને “ભારત માતા કી જય” તથા “જીત ગયા ભાઈ જીત ગયા, ભારતવાલા જીત ગયા”ના ગગનભેદી નારાથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. મોડી રાત્રે પણ નગરજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ વિજય ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
વિશેષ આયોજન:
ધર્મેન્દ્ર જેસર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઢોલ-નગારા અને આતશબાજીનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગિરનારા વાડી ખાતે સામૂહિક જમણવારનું પણ આયોજન કરાયું હતું. જેમાં ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ કષ્ટા અને ગિરનારા સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ ભટ્ટે સહયોગ આપ્યો હતો. બાળકો માટે ‘પ્રથમ વિકેટ કોણ લેશે?’ તેવી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતાઓને યસ ફાઉન્ડેશન તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અંતમાં ધર્મેન્દ્ર જેસરે તમામ રમત પ્રેમીઓનો આભાર માન્યો હતો. એવું મુંદરાના રમત પ્રેમી વિનોદ મહેતાએ એક યાદીમાં જણાવ્યું હતું.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




