સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા ભારતની સૌથી મોટી ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ, 200થી વધુ વૈજ્ઞાનિકોની ભાગીદારી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે “પબ્લિક અંડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી” વિષય પર ભારતની સૌથી મોટી બે દિવસીય ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરિષદ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલોજી અંગે જાહેર સમજ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની સચિવ પી. ભારતી અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના નિયામક અનિલ ભારદ્વાજ દ્વારા પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગુજકોસ્ટના ડિસેમ્બર ન્યૂઝલેટર ‘ગુજકોસ્ટ ન્યૂઝ’નું અનાવરણ તેમજ કોન્ફરન્સ સોવેનિયરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
પરિષદના પ્રથમ દિવસે ઇસરોના વૈજ્ઞાનિક સી.પી. શર્માનું મુખ્ય વ્યાખ્યાન યોજાયું હતું, જ્યારે લંડનથી પ્રો. કાનન પુરકાયસ્થ દ્વારા વર્ચ્યુઅલ પ્લેનરી સેશન યોજાઈ હતી. આ ઉપરાંત ક્વોન્ટમ કોમ્યુનિકેશન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ મટીરિયોલોજી, ફોટોનિક્સ, ફાઇબર ઑપ્ટિક્સ અને ક્વોન્ટમ ટેક્નોલોજીમાં એઆઈ તથા મશીન લર્નિંગના ઉપયોગ જેવા વિષયો પર પેનલ ડિસ્કશન અને એક્સપર્ટ ટોક્સ યોજાયા હતા.
ઉદ્ઘાટન સત્રમાં પી. ભારતીએ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે આ પરિષદ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેક્નોલોજી અંગેની જાહેર સમજ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી 2025’ની ઉજવણીના સંદર્ભમાં ક્વોન્ટમ ટેક્નોલોજી 21મી સદીની નવી વૈજ્ઞાનિક ક્રાંતિ તરીકે ઉભરી રહી છે. અલ્ટ્રા-ફાસ્ટ કમ્પ્યુટિંગ, અત્યંત સુરક્ષિત સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને એડવાન્સ મટિરિયલ્સ જેવી ટેક્નોલોજીઓ ભારતને વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મજબૂત બનાવશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત સરકાર અને વિજ્ઞાન તથા ટેક્નોલોજી વિભાગ છેલ્લા ઘણા વર્ષોથી યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ગુજકોસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત પરિષદો વિજ્ઞાનને લેબોરેટરીમાંથી સમાજ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજકોસ્ટને યુનેસ્કો દ્વારા શૈક્ષણિક ભાગીદાર તરીકે મળેલી માન્યતા એકેડેમિયા, ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
PRLના નિયામક અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે આ પરિષદનો મુખ્ય હેતુ ક્વોન્ટમ સાયન્સને સામાન્ય નાગરિકો સુધી સરળ ભાષામાં પહોંચાડવાનો છે. ક્વોન્ટમ કોમ્યુનિકેશન, સેટેલાઇટ ટેક્નોલોજી અને ભવિષ્યની ટેક્નોલોજીમાં ક્વોન્ટમ વિજ્ઞાનની ભૂમિકા પર આ બે દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
સોસાયટી ફોર ઇન્ફોર્મેશન સાયન્સના પ્રમુખ મનોજ કુમાર પટેરિયાએ જણાવ્યું હતું કે અનિશ્ચિતતાથી ભરેલા આધુનિક સમયમાં ક્વોન્ટમ સાયન્સ અનેક વૈજ્ઞાનિક અને સામાજિક પડકારોના ઉકેલ માટે નવી દિશા આપી શકે છે. આવા કાર્યક્રમો નાગરિકોને ક્વોન્ટમ વિજ્ઞાન સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
ગુજકોસ્ટના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી નરોત્તમ સાહૂએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ ક્વોન્ટમ વિજ્ઞાન જેવા જટિલ વિષયોને વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે સરળ, રસપ્રદ અને સમજણસભર બનાવવાનો છે.
પરિષદમાં દેશ અને વિદેશમાંથી લગભગ 200 જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. યુનાઇટેડ કિંગડમ, વિયેતનામ અને નેપાળના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે ક્વોન્ટમ સુપરપોઝિશન અને એન્ટેન્ગલમેન્ટ મોડલ્સના પ્રાયોગિક પ્રદર્શન તેમજ યુવા સંશોધકો દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન પણ પરિષદના મુખ્ય આકર્ષણ બની રહ્યા છે.
વિશેષજ્ઞોના મતે, આવી વિજ્ઞાન સંચાર પરિષદો ભારતના નેશનલ ક્વોન્ટમ મિશનને ગતિ આપવાની સાથે ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે.










