દત્તક ગામો માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો વ્યાપક વિકાસ પ્રયોગ

20 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ટેક્નોલોજી આધારિત કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોની આવકમાં સ્થાયી વૃદ્ધિ લાવવાના પ્રયત્નો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તેના કાર્યક્ષેત્રમાં આવેલા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને કચ્છના કુલ ૯૬ ગામોને દત્તક લેવાયા છે. યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો તથા વૈજ્ઞાનિકો અને પ્રાધ્યાપકોના સહિયારા પ્રયત્નો વડે આ ગામોમાં કૃષિ સંશોધન અને વિસ્તરણ પ્રવૃતિઓ સક્રિય રીતે અમલમાં મુકાઈ રહી છે.યુનિવર્સિટીની સરદાર કૃષિનગર, થરાદ, જગુદણ, ભુજ (ભચાઉ), ડીસા, ખેડબ્રહ્મા અને અમીરગઢ ખાતે આવેલી કોલેજો તથા પોલિટેકનિક સંસ્થાઓના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ જેવી વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
દત્તક ગામોમાં બીજ ઉત્પાદન, નેચરલ ફાર્મિંગ, મૂલ્યવર્ધન, કૃષિ પ્રદર્શન, રાત્રી સભા, ખેડૂત શિબિરો, નિદર્શન અને તાલીમ કાર્યક્રમોનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર પ્રવૃત્તિઓ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સંશોધન નિયામક ડો. સી.કે. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. પી.એસ. પટેલ અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો. કે.પી. ઠાકર તેમજ યુનિવર્સિટીના તમામ વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓના સહકારથી અમલમાં આવી રહી છે.
આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ દત્તક ગામોમાં ટેક્નોલોજી આધારિત કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોની આવકમાં સ્થાયી વૃદ્ધિ લાવવાનો છે.







