ભારત–યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર અમદાવાદમાં ઉદ્યોગવિશ્વ અને સરકારની ઊંડાણપૂર્વકની ચર્ચા : “વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના દિશામાં આગળ વધતી ભારતની યાત્રા માટે મહત્વનો મીલનો પથ્થર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા વિદેશ વેપાર મહા નિર્દેશાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત “ભારત–યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર કેન્દ્રિત ચર્ચા” કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે, “CETA જેવા વ્યાપક આર્થિક કરાર ભારતને વૈશ્વિક વેપારના નવા કદમ પર પહોંચી વળવા માટે એક મજબૂત પાયો પૂરું પાડે છે. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને હવે ત્રીજી ક્રમ તરફ આગળ વધવાનો અમારો સંકલ્પ છે. આવા કરારો એ સંકલ્પને સાકાર કરવા માટે રાહ ચીંધે છે.”
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને નિકાસ ધોરણે વેગથી વિકાસ થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ ઉદ્યોગોને — ખાસ કરીને કાપડ, પ્લાસ્ટિક, રસાયણો અને ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રને — CETAના માધ્યમથી યુકે બજારમાં વધતી જતી તકો મળશે.
મંત્રીએ ફૂડ પાર્ક માટે વિવિધ MOU વિશે વિસ્તૃત માહિતી આપી અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંઓની પણ રજૂઆત કરી. તેમણે વધુમાં જણાવ્યું કે, “અહિ ફક્ત નિકાસની વાત નથી, પણ નાના અને મધ્યમ ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિર અને ટકાઉ વ્યવસાય માટે મંચ મળવાનો સમય આવી ગયો છે.”
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માએ તેમના ઉદબોધનમાં કહ્યું કે, “CETA માત્ર એક કરાર નથી, પણ ભારતના ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય તરફ લેવામાં આવેલ વ્યૂહાત્મક અને ઐતિહાસિક પગલું છે. ગુજરાત રાજ્યને તે નિકાસ કેન્દ્ર તરીકે સ્થાન અપાવશે.”
ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે ભારતના ડ્યુટી ફ્રી એક્સેસ ધરાવતા ઉત્પાદનોના સમીક્ષાત્મક વિશ્લેષણ સાથે વાત કરતા જણાવ્યું કે, “યુકેમાં થતી આયાતમાં ભારતના ડ્યુટી ફ્રી ઉત્પાદનો 86 ટકા જેટલો ફાળો આપે છે. CETAના કારણે આવા ઉત્પાદનોના નિકાસમાં ઝડપથી વધારો થશે અને ભારત યુકે સાથેના વેપારમાં નિશ્ચિત રીતે સરપ્લસ હાંસલ કરશે.”
ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટના અધિકારી રાહુલ સિંહે આ કરારને ભારત માટે અત્યાર સુધીનો સૌથી વ્યાપક અને વ્યૂહાત્મક વેપાર કરાર ગણાવ્યો. તેમણે ઉમેર્યું કે, “છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ભારત–યુકે નિકાસના આંકડાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે CETAને સફળતાપૂર્વક અમલમાં મૂકવાથી વધુ સકારાત્મક વલણ આપશે.”
GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, “ભારત તરફથી યુકેમાં થતી લગભગ 99 ટકા નિકાસ ડ્યુટી મુક્ત થઈ જશે, જે દેશના નાના, મધ્યમ અને મોટા નિકાસકર્તાઓ માટે આર્થિક પરિવર્તન લાવશે.” તેમણે વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો કે, “આ કરાર દ્વારા કાપડ, દરિયાઈ ઉત્પાદનો, રમકડાં, લેધર અને રમતોના સાધનો, ઘરેણાં અને રત્નો જેવી કેટેગરીઝમાં નિકાસ તકોમાં બહુવિધ વૃદ્ધિ થશે. એન્જિનિયરિંગ, ઓટો ઘટકો અને કાર્બનિક રસાયણો જેવા ક્ષેત્રો માટે પણ આ કરાર નવી દિશા અપાવશે.”
કાર્યક્રમ દરમિયાન આયોજિત ઓપન ફોરમમાં CETA અંગેના વિવિધ પાસાઓ પર વિશ્લેષણાત્મક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વેપાર સંબંધિત તકનીકી મુદ્દાઓ, નીતિગત મુદ્દાઓ અને બજારની તૈયારીને લગતા મુદ્દાઓ પર ઉદ્યોગવિશ્વના પ્રતિનિધિઓના સવાલોના નિષ્ણાતોએ જવાબ આપ્યા હતા.
આ પ્રસંગે INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત ઉપરાંત વિવિધ વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ, નિકાસકર્તાઓ, ઉદ્યોગકારો અને નીતિનિર્માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારત અને યુકે વચ્ચે વ્યાપાર સંદર્ભે પારસ્પરિક સહકાર વધારવો અને નિકાસ ક્ષમતા ધરાવતા ઉદ્યોગોને નવા માર્ગદશન સાથે આગળ વધવા પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
આ પ્રકારના વ્યૂહાત્મક સમ્મેલનો ભારતને વૈશ્વિક સ્તરે એક મજબૂત, આત્મનિર્ભર અને નિકાસલક્ષી અર્થતંત્ર બનાવવામાં નિમિત્તરૂપ સાબિત થશે.






