
મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા લુણાવાડામાં સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ
***
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશ અને કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છતાની કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ ચકાસવા માટે કલેક્ટરશ્રીએ લુણાવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે નગરપાલિકાના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ સાધીને સ્વચ્છતા જાળવવા માટે થઈ રહેલા પ્રયાસોની વિગતો મેળવી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે જાહેર સ્થળો, ધાર્મિક સ્થાનો અને આસપાસના વિસ્તારોમાં નિયમિત અને અસરકારક રીતે સફાઈ થાય.
આ નિરીક્ષણ દરમિયાન, કલેક્ટરશ્રીએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કચરાના વ્યવસ્થાપન, ગંદકી નિવારણ અને જાહેર જાગૃતિના કાર્યક્રમો પર ભાર મૂક્યો હતો. તેમણે નગરપાલિકાના કર્મચારીઓને સ્વચ્છતાના માપદંડો જાળવી રાખવા અને લુણાવાડાને વધુ સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે સૂચનો આપ્યા હતા.




